ઉત્તર ભારતમાં ભારે વરસાદની આગાહીને પગલે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને ઝારખંડના અનેક જિલ્લાઓમાં 26 સપ્ટેમ્બરે શાળાઓ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જારી કરાયા બાદ વિદ્યાર્થીઓની સુરક્ષા અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્રએ આ નિર્ણય લીધો છે. સરકારી, અર્ધ-સરકારી, ગ્રાન્ટેડ તેમજ ખાનગી બોર્ડની તમામ શાળાઓને આ આદેશ સમાન રીતે લાગુ પડશે.
ઉત્તર પ્રદેશના લખનઉ જિલ્લા પ્રશાસને 26 સપ્ટેમ્બરે ધોરણ 12 સુધીની તમામ સરકારી અને ખાનગી શાળાઓમાં શૈક્ષણિક કાર્ય સ્થગિત રાખવાનો આદેશ કર્યો છે. અયોધ્યા અને કૌશામ્બીમાં પણ ધોરણ 1 થી 12 સુધીની શાળાઓ સંપૂર્ણપણે બંધ રહેશે. પ્રયાગરાજ, મિર્ઝાપુર, બાંદા, ચિત્રકૂટ અને કાનપુર દેહાત જેવા જિલ્લાઓમાં ધોરણ 1 થી 8 સુધીના વિદ્યાર્થીઓ માટે રજા જાહેર કરવામાં આવી છે.
ઝારખંડની રાજધાની રાંચીમાં હવામાન વિભાગે ભારે વરસાદની શક્યતા દર્શાવતાં યલો એલર્ટ જાહેર કર્યું છે. જિલ્લા મેજિસ્ટ્રેટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, 2005ની કલમ-34 હેઠળ 26 સપ્ટેમ્બરે KG થી ધોરણ 12 સુધીની તમામ સરકારી અને ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે રજા જાહેર કરી છે. જોકે, સરકારી શાળાઓના શિક્ષકો અને કર્મચારીઓએ બાયોમેટ્રિક હાજરી પૂરીને બિન-શૈક્ષણિક કામગીરી સંભાળવાની રહેશે. જે શાળાઓમાં અગાઉથી પરીક્ષાઓ નક્કી થયેલી છે, તેના આયોજન અંગેનો અંતિમ નિર્ણય શાળાના આચાર્ય લઈ શકશે. નિયમોનું ઉલ્લંઘન કરનાર સંસ્થાઓ સામે કાનૂની પગલાં લેવાશે.
ઉત્તરાખંડના પર્વતીય તેમજ મેદાની વિસ્તારોમાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહીને પગલે નૈનીતાલ અને પિથોરાગઢ જિલ્લા પ્રશાસને 26 સપ્ટેમ્બરે તમામ સરકારી અને ખાનગી શાળાઓની સાથે આંગણવાડી કેન્દ્રોમાં પણ રજા રાખવાનો નિર્ણય કર્યો છે. વહીવટીતંત્રએ તમામ વાલીઓને અપીલ કરી છે કે આ ખરાબ હવામાન દરમિયાન બાળકોને ઘરની બહાર ન જવા દેવા અને સુરક્ષાના તમામ નિયમોનું ચુસ્ત પાલન કરવું.