સત્ય. સાહસ. સંકલ્પ.

SC-ST અનામત બેઠકોના રોટેશનનો નિર્ણય સરકાર પર છોડ્યો, સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી

SC-ST અનામત બેઠકોના રોટેશનનો નિર્ણય સરકાર પર છોડ્યો, સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી

મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં SC-ST અનામત બેઠકોના રોટેશન અંગે સુપ્રીમ કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. ચીફ જસ્ટિસની આગેવાની હેઠળની ત્રણ જજોની ખંડપીઠે જણાવ્યું કે, કોઈપણ મતદાર કે ઉમેદવારને ચોક્કસ મતક્ષેત્ર SC-ST માટે આરક્ષિત કરાવવાનો બંધારણીય કે કાનૂની અધિકાર નથી. બેઠકોનું રોટેશન કઈ પદ્ધતિથી અને કઈ સમયસીમામાં થશે, તે નક્કી કરવાનો અધિકાર સરકાર પાસે છે.

સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિ ચૂંટણીના 'સીટોના અનામતની પદ્ધતિ અને રોટેશન નિયમ, 2025'ના નિયમ 12ને પડકારતી અરજી ફગાવી દીધી છે. અરજદારે દલીલ કરી હતી કે નવા સુધારા મુજબ રોટેશન ચક્ર નવેસરથી શરૂ કરવાથી ઓછી SC-ST વસ્તી ધરાવતા વિસ્તારોને ક્યારેય અનામતનો લાભ મળશે નહીં. જોકે, કોર્ટે સ્પષ્ટ કર્યું કે 2025ના સુધારા પછીની આગામી ચૂંટણીને રોટેશન માટે પ્રથમ ચૂંટણી ગણવામાં કશું જ ખોટું નથી.

જસ્ટિસ જોયમાલ્ય બાગચીએ નોંધ્યું કે બંધારણ અને નિયમો હેઠળ સ્થાનિક સંસ્થાની કુલ વસ્તીમાં SC/STના પ્રમાણના આધારે બેઠકોનું અનામત નક્કી થાય છે. કાયદો આરક્ષિત બેઠકોના રોટેશનની જોગવાઈ કરે છે, પરંતુ તેની પદ્ધતિ અને સમયગાળો નક્કી કરવો સરકારના અધિકારક્ષેત્રમાં આવે છે. કોર્ટે ઉમેર્યું કે નિયમ 12 અનામત કે રોટેશનના મૂળ સિદ્ધાંતોની વિરુદ્ધ નથી.