સત્ય. સાહસ. સંકલ્પ.

SBI UPI સેવા 19 નવેમ્બરે 45 મિનિટ બંધ, UPI Lite ચાલુ રહેશે

SBI UPI સેવા 19 નવેમ્બરે 45 મિનિટ બંધ, UPI Lite ચાલુ રહેશે

દેશની સૌથી મોટી સરકારી બેંક ભારતીય સ્ટેટ બેન્ક (SBI)ના ગ્રાહકો માટે એક મહત્વની જાહેરાત સામે આવી છે. બેંકે જણાવ્યું છે કે 19 નવેમ્બર 2026ના રોજ બપોરે 1:15 થી 2:00 વાગ્યા સુધી (ભારતીય સમય) એટલે કે 45 મિનિટ માટે તેની UPI સેવાઓ મેન્ટેનન્સના કારણે બંધ રહેશે. આ માહિતી બેંકે તેના અધિકૃત X (ટ્વિટર) એકાઉન્ટ પર આપી છે.

SBIએ પોસ્ટમાં જણાવ્યું છે કે, “નિયત મેન્ટેનન્સ કાર્યને કારણે 19.11.2026ના રોજ 01:15 થી 02:00 વાગ્યા (IST) સુધી SBIની UPI સેવાઓ અસ્થાયી રૂપે ઉપલબ્ધ રહેશે નહીં. જો કે, આ કામગીરી નિર્ધારિત સમય પહેલાં પૂર્ણ થઈ શકે છે. ગ્રાહકો કોઈપણ અવરોધ વિના સેવાઓનો લાભ લઈ શકે તે માટે UPI Liteનો ઉપયોગ ચાલુ રાખી શકે છે. ગ્રાહકોને થતી અસુવિધા બદલ અમને ખેદ છે.”

આ સમયગાળા દરમિયાન સામાન્ય UPI એપ્સ દ્વારા પેમેન્ટ કરવામાં મુશ્કેલી પડશે, પરંતુ ગ્રાહકો UPI Liteનો ઉપયોગ કરી શકશે. UPI Lite નાના વ્યવહારો માટેની સુવિધા છે, જેમાં યુઝર પોતાના બેંક ખાતામાંથી નાણાં ટ્રાન્સફર કરીને પેમેન્ટ એપના વોલેટમાં જમા કરાવી શકે છે. વોલેટમાં બેલેન્સ જમા થયા બાદ દરેક ખરીદી વખતે UPI PIN દાખલ કર્યા વિના પણ પેમેન્ટ કરી શકાય છે.

RBIના નિયમો મુજબ UPI Liteમાં દરેક ટ્રાન્ઝેક્શનની મહત્તમ મર્યાદા રૂ. 1,000 છે, જ્યારે વોલેટમાં એક સમયે વધુમાં વધુ રૂ. 5,000 રાખી શકાય છે. RBIએ ડિસેમ્બર 2024માં આ મર્યાદામાં વધારો કર્યો હતો. અગાઉ દરેક ટ્રાન્ઝેક્શનની મર્યાદા રૂ. 500 અને વોલેટની મર્યાદા રૂ. 2,000 હતી.

SBIની UPI સેવા માત્ર 45 મિનિટ માટે જ ખોરવાશે, ત્યારબાદ ગ્રાહકો ફરીથી કોઈપણ UPI એપ દ્વારા સરળતાથી પેમેન્ટ કરી શકશે. ગ્રાહકોને આ સમયગાળા દરમિયાન UPI Liteનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.