બેંકિંગ ક્ષેત્રમાં નોકરી શોધી રહેલા યુવાનો માટે સારા સમાચાર છે. દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI), આ નાણાકીય વર્ષમાં અંદાજે 12,000 નવા કર્મચારીઓની ભરતી કરી શકે છે. બેંકના ચેરમેન સીએસ સેથીએ આ અંગે સંકેત આપ્યો છે.
ચેરમેન સેથીના જણાવ્યા મુજબ, ક્લાર્ક અને ઓફિસર કેડરમાં લગભગ 11,000 થી 12,000 નવા કર્મચારીઓની ભરતી થઈ શકે છે. જોકે, કર્મચારીઓની નિવૃત્તિ અને બેંકની જરૂરિયાતોને આધારે આ આંકડો ઘટી કે વધી પણ શકે છે. આ ભરતીઓ આ નાણાકીય વર્ષના અંત સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.
SBIમાં દર વર્ષે ભરતી માટે મોટી સંખ્યામાં અરજીઓ આવે છે, કારણ કે લાખો યુવાનો આ બેંકમાં કામ કરવાનું સ્વપ્ન જુએ છે. ગયા વર્ષે SBI એ મોટા પાયે ભરતી ઝુંબેશ હાથ ધરી હતી, જેમાં આશરે 1,500 IT નિષ્ણાતોનો સમાવેશ થતો હતો. આ વર્ષે પણ બમ્પર ભરતી થવાની સંભાવના છે.
બેંકના વાર્ષિક અહેવાલ મુજબ, નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન SBI એ કુલ 25,633 લોકોને રોજગારી આપી હતી, જેમાં 4,640 અધિકારીઓ, 19,340 કારકુનો અને 1,653 કરાર આધારિત કર્મચારીઓ સામેલ હતા. 2026 સુધીમાં SBIમાં કાર્યરત કર્મચારીઓની કુલ સંખ્યા 2.45 લાખથી વધુ થવાનો અંદાજ છે.
નવી ભરતીઓ ઉપરાંત, SBI પોતાનું નેટવર્ક પણ વિસ્તારી રહી છે. બેંક નાણાકીય વર્ષ 2026-27માં આશરે 200 થી 250 નવી શાખાઓ ઉમેરવાનું લક્ષ્યાંક ધરાવે છે. ખાસ કરીને નવી રહેણાંક વસાહતો અને વ્યાપારી પ્રવૃત્તિઓ વધી રહી છે તેવા વિસ્તારોમાં બેંક પોતાની પહોંચ વધારી રહી છે.
આ ઉપરાંત, SBI એ સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર ભરતી 2026 માટે પણ અરજીઓ મંગાવી છે, જેમાં કુલ 283 જગ્યાઓ છે. આ ભરતીમાં ઉમેદવારોને લેખિત પરીક્ષા આપવાની જરૂર નથી, પરંતુ પસંદગી ઇન્ટરવ્યુ અને અનુભવના આધારે થશે. લાયક ઉમેદવારો 25 સપ્ટેમ્બર, 2026 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે.