સત્ય. સાહસ. સંકલ્પ.

SBIની ચેતવણી: ખાતામાં અચાનક પૈસા આવે તો પરત ન કરો, 'જમ્પ્ડ ડિપોઝિટ સ્કેમ'નો ખતરો

SBIની ચેતવણી: ખાતામાં અચાનક પૈસા આવે તો પરત ન કરો, 'જમ્પ્ડ ડિપોઝિટ સ્કેમ'નો ખતરો

જો તમારા બેંક ખાતામાં કોઈ અજાણી વ્યક્તિએ અચાનક પૈસા ટ્રાન્સફર કર્યા હોય, તો તે પૈસા જોઈને ખુશ થવાની કે તેને તરત પરત કરવાની ઉતાવળ ન કરવી. દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ પોતાના ગ્રાહકોને ઓનલાઈન છેતરપિંડીના નવા પ્રકાર વિશે ચેતવણી આપી છે. બેંકે જણાવ્યું છે કે આ રીતે ભૂલથી આવેલા પૈસા પરત કરવા જતાં તમે સાયબર ક્રાઈમનો શિકાર બની શકો છો અને તમારી મહેનતની કમાણી ગુમાવી શકો છો.

SBIએ 10 ઓક્ટોબર 2026ના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટ મૂકીને ગ્રાહકોને માહિતગાર કર્યા હતા. આ ચેતવણી રાષ્ટ્રીય સાયબર સુરક્ષા મહિનાના અભિયાન 6.0ના ભાગરૂપે જારી કરવામાં આવી છે. બેંકે લોકોને કહ્યું છે કે જો કોઈ અજાણી વ્યક્તિ ફોન કરીને પૈસા પરત કરવા દબાણ કરે, તો તેના પર વિશ્વાસ ન કરવો. આ નવા સાયબર ક્રાઈમને 'જમ્પ્ડ ડિપોઝિટ સ્કેમ' (Jumped Deposit Scam) નામ આપવામાં આવ્યું છે.

આ છેતરપિંડીની શરૂઆત તમારા ખાતામાં કોઈ અજાણી વ્યક્તિ દ્વારા ખૂબ નાની રકમ જમા કરાવવાથી થાય છે. ત્યારબાદ ઠગ તમારો સંપર્ક કરે છે અને ગભરાયેલા અવાજમાં દાવો કરે છે કે તેણે ભૂલથી તમારા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી દીધા છે. ઠગ તમને પૈસા તાત્કાલિક પરત કરવા માટે ઉતાવળ કરાવે છે અને માનસિક દબાણ ઊભું કરે છે. સામાન્ય રીતે વ્યક્તિ ભાવનાત્મક દબાણમાં આવીને બેંકની વિગતો ચકાસ્યા વિના તે રકમ પરત કરવાનો પ્રયાસ કરે છે. આ પરિસ્થિતિનો લાભ સાયબર ગુનેગારો ઉઠાવે છે. જ્યારે તમે તેમને પૈસા પરત કરવા માટે તમારો UPI પિન નાખો છો, ત્યારે હકીકતમાં તેઓ તમને મોટા UPI વ્યવહારને મંજૂરી આપવા માટે છેતરી રહ્યા હોય છે.

આ રીતે તમારા ખાતામાં આવેલી નાની રકમ તમારા આખા બેંક બેલેન્સ માટે ખતરો બની જાય છે અને પળવારમાં તમારું એકાઉન્ટ ખાલી થઈ શકે છે. આવી પરિસ્થિતિમાં ગ્રાહકોએ ખાસ સાવચેતી રાખવી જરૂરી છે. જો કોઈ અજાણ્યા નંબર પરથી પૈસા આવે અને સામેથી ફોન આવે, તો સૌથી પહેલાં ગભરાવાનું ટાળો અને કોઈની વાતોમાં આવી ઉતાવળ ન કરો. તાત્કાલિક કોઈ UPI વ્યવહાર કરવાને બદલે પહેલા તમારી બેંકની પાસબુક અથવા સત્તાવાર ઍપમાં જઈને ખાતાની એન્ટ્રીઓ તપાસો.

કોઈપણ પેમેન્ટ રિક્વેસ્ટ સ્વીકારતા પહેલા મોબાઈલ સ્ક્રીન પરની માહિતી અને રકમ ધ્યાનથી વાંચો. જો પૈસા પરત કરવા અંગે શંકા લાગે, તો જાતે પગલાં લેવાને બદલે સીધો બેંકની સત્તાવાર વેબસાઇટ કે બ્રાન્ચનો સંપર્ક કરો.