જો તમે તમારા બાળકના નામે રોકાણ શરૂ કરવાનું વિચારી રહ્યા છો, તો SBIની 'હર ઘર લખપતિ' યોજના એક વિકલ્પ બની શકે છે. આ યોજનામાં હાલમાં વાર્ષિક 6.7% વ્યાજ મળે છે. તેમાં તમે નાની માસિક બચતથી લાખોનું ફંડ તૈયાર કરી શકો છો, પણ તેના કેટલાક નિયમો પણ છે.
આ યોજના રિકરિંગ ડિપોઝિટ (RD) જેવી છે. RDની જેમ જ તમારે દર મહિને એક નિશ્ચિત રકમ જમા કરવાની રહે છે. નિયત સમયગાળો પૂરો થતાં તમને મૂળ રકમ સાથે વ્યાજ મળે છે. યોજનાની મેચ્યોરિટી 3 વર્ષથી 10 વર્ષ સુધીની હોઈ શકે છે. એટલે કે તમે 3, 5, 7 કે 10 વર્ષ માટે રોકાણ કરી શકો છો.
ખાતું કોઈ પણ વ્યક્તિ એકલા અથવા સંયુક્ત રીતે ખોલાવી શકે છે. 10 વર્ષથી વધુ ઉંમરના બાળકના નામે પણ ખાતું ખોલી શકાય, જો બાળક સારી રીતે સહી કરી શકતું હોય. જો નહીં, તો માતા-પિતા કે વાલી સાથે સંયુક્ત ખાતું ખોલાવવું પડે.
ગણિત સમજીએ: 5 વર્ષમાં 1 લાખ રૂપિયાનું ફંડ બનાવવું હોય તો દર મહિને ₹1,420 જમા કરવા પડે. 10 વર્ષમાં 1 લાખનું ફંડ જોઈએ તો દર મહિને ₹610 પૂરતા છે. યોજનામાં બાળકોને સામાન્ય નાગરિકની શ્રેણીમાં ગણવામાં આવે છે.
તમે 1 લાખથી વધુનું લક્ષ્ય પણ રાખી શકો છો, જેમ કે 2, 3 કે 4 લાખ. લક્ષ્ય રકમ પ્રમાણે માસિક હપ્તો નક્કી થાય છે. વધુ માહિતી માટે નજીકની SBI શાખાનો સંપર્ક કરવો.