સત્ય. સાહસ. સંકલ્પ.

SBIની ચેતવણી: મહિને 30% વળતરની લાલચ આપતી નકલી રોકાણ સ્કીમથી સાવધાન

SBIની ચેતવણી: મહિને 30% વળતરની લાલચ આપતી નકલી રોકાણ સ્કીમથી સાવધાન

જો તમારું એસબીઆઈમાં ખાતું હોય અને સોશિયલ મીડિયા, વોટ્સએપ કે ઈમેલ પર તમને દર મહિને 30% વળતર આપવાની લાલચ મળી રહી હોય, તો તરત સાવધાન થઈ જાવ. દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઈએ ગ્રાહકોને આવી નકલી રોકાણ યોજનાઓથી ચેતવ્યા છે.

બેંકે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ મૂકીને જણાવ્યું છે કે સાયબર ઠગો લોકોને રાતોરાત અમીર બનવાના સપના બતાવીને નકલી વેબસાઈટ કે એપ દ્વારા તેમના ખાતામાંથી પૈસા પડાવી લે છે. સોશિયલ મીડિયા, વોટ્સએપ, મેસેજ કે ઈમેલ દ્વારા દર મહિને 30% જેવું અવાસ્તવિક વળતર આપવાનો દાવો સંપૂર્ણપણે ફ્રોડ હોઈ શકે છે.

એસબીઆઈએ ગ્રાહકોને આ ચાર સંકેતોથી નકલી રોકાણ યોજનાઓ ઓળખવાની સલાહ આપી છે:

1. ગેરંટીડ અને ઊંચા વળતરનો દાવો: જો કોઈ વ્યક્તિ કે એપ જોખમ વગર દર મહિને 30% નફાની ગેરંટી આપે તો ચેતી જાવ. બજારમાં આટલા મોટા વળતરની ગેરંટી કોઈ આપી શકતું નથી.

2. તાત્કાલિક પૈસા રોકવાનું દબાણ: ‘આજે જ રોકાણ કરો’, ‘ઓફર થોડા કલાકોમાં પૂરી થશે’ જેવી વાતો કરીને વિચારવાનો સમય ન આપવો એ ઠગાઈની સૌથી મોટી નિશાની છે.

3. અજાણ્યા લોકો અને નકલી રિવ્યૂ: સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકોના નફાના દાવા, સ્ક્રીનશોટ કે નકલી ગ્રાહક રિવ્યૂ જોઈને ક્યારેય રોકાણ ન કરો.

4. અજાણી લિંક અને અંગત વિગતોની માગણી: શંકાસ્પદ લિંક પર ક્લિક કરીને બેંક એકાઉન્ટની વિગત, ઓટીપી, પાસવર્ડ કે કાર્ડની માહિતી ભૂલથી પણ શેર ન કરો.

રોકાણ કરતાં પહેલાં શેરબજાર કે મ્યુચ્યુઅલ ફંડ જેવી યોજનાઓમાં સલાહકાર કે કંપનીનું સેબી (SEBI) રજિસ્ટ્રેશન સત્તાવાર પોર્ટલ પરથી ચકાસી લેવું જરૂરી છે. માત્ર અજાણી વ્યક્તિ કે સોશિયલ મીડિયા જાહેરાતના આધારે પૈસા ટ્રાન્સફર ન કરવા.

જો કોઈ ખોટી યોજનામાં પૈસા ટ્રાન્સફર થઈ ગયા હોય, તો વિલંબ કર્યા વિના તમારી બેંકનો સંપર્ક કરો. સાયબર ફ્રોડની ફરિયાદ માટે તરત જ હેલ્પલાઈન નંબર 1930 પર કોલ કરો અથવા કેન્દ્ર સરકારના પોર્ટલ cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવો.