સત્ય. સાહસ. સંકલ્પ.

SBI ના 3.75 લાખ ગ્રાહકોનો ડેટા લીક થવાનો હેકર ગ્રુપનો દાવો, બેંક તરફથી કોઈ સ્પષ્ટતા નહીં

SBI ના 3.75 લાખ ગ્રાહકોનો ડેટા લીક થવાનો હેકર ગ્રુપનો દાવો, બેંક તરફથી કોઈ સ્પષ્ટતા નહીં

દેશની સૌથી મોટી બેંક એસબીઆઈના 3.75 લાખ ગ્રાહકોનો ડેટા લીક થયાનો દાવો એક હેકર ગ્રુપે કર્યો છે. 'સિરિયસિમ' (Siriusim) નામના આ ગ્રુપે કહ્યું છે કે તેની પાસે 3 લાખ 75 હજાર એકાઉન્ટ્સની વિગતો અને 2,722 પીડીએફ ફાઇલો છે. આ માહિતી સાયબર સિક્યુરિટી એકાઉન્ટ CyberPulse56 એ X (ટ્વિટર) પર શેર કરી છે.

લીક થયાનો દાવો કરાયેલા ડેટામાં ગ્રાહકોની અંગત માહિતી, લોન એપ્લિકેશન, એકાઉન્ટ ખોલવાના ફોર્મ, સરનામાં અને દસ્તાવેજો હોવાનું કહેવાય છે. જોકે આ દાવો હજુ સ્વતંત્ર રીતે ચકાસાયો નથી અને એસબીઆઈ તરફથી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. તેથી ગ્રાહકોનો ડેટા ખરેખર લીક થયો છે કે નહીં, તે હજુ સ્પષ્ટ નથી.

જો આ દાવો સાચો પુરવાર થાય તો ગ્રાહકોની ઓળખ ચોરી, બેંક ફ્રોડ અને નકલી લોન જેવા કિસ્સા વધી શકે છે. એટલે કે ગ્રાહકના નામે અજાણ્યા લોકો લોન લઈ શકે અથવા તેની અંગત માહિતીનો દુરુપયોગ કરી શકે.

ગ્રાહકોએ કઈ બાબતો ધ્યાનમાં રાખવી? અજાણ્યા કોલ, લિંક કે મેસેજથી સાવધ રહેવું જોઈએ. પોતાની અંગત વિગતો કે એટીએમ પિન કોઈ સાથે શેર ન કરવા જોઈએ. જો એકાઉન્ટમાંથી જાણકારી વગર પૈસા કપાય, અજાણ્યા ટ્રાન્ઝેક્શનનો મેસેજ આવે કે અચાનક ઓટીપી મળે, તો તે ખોટા ઉપયોગની નિશાની હોઈ શકે છે. બેંક લોગિન સંબંધિત એલર્ટ પણ ધ્યાનથી જોવા જોઈએ. આવું કંઈ બને તો તરત બેંકને જાણ કરવી અને નેશનલ ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર ફરિયાદ નોંધાવવી.