સત્ય. સાહસ. સંકલ્પ.

SBI પર સાયબર હુમલો: 3,897 ખાતાધારકોની અંગત માહિતી ચોરાઈ, બેંકે કરી પુષ્ટિ

SBI પર સાયબર હુમલો: 3,897 ખાતાધારકોની અંગત માહિતી ચોરાઈ, બેંકે કરી પુષ્ટિ

ભારતીય સ્ટેટ બેંક (SBI) એ સાયબર હુમલાની પુષ્ટિ કરી છે, જેમાં 3,897 ખાતાધારકોનો ડેટા ચોરાયો છે. હુમલાખોરોએ બેંકના સર્વર પર હુમલો કરીને ગ્રાહકોના નામ, ફોન નંબર, ઓળખ માહિતી, લોન વિગતો, જન્મતારીખ, લિંગ અને સરનામા જેવી અંગત માહિતી ચોરી છે. જોકે, બેંકે સ્પષ્ટ કર્યું છે કે આ હુમલાની બેંકના મુખ્ય સંચાલન કે નાણાકીય કામગીરી પર કોઈ અસર થશે નહીં.

SBIએ 16 ઓક્ટોબરે જણાવ્યું હતું કે તેમને કેટલીક સરકારી એજન્સીઓ તરફથી હેકિંગ અંગે ચેતવણી મળી હતી. જેમાં થ્રેટ ઇન્ટેલિજન્સ સર્વિસ પ્રોવાઇડર, ડિફેન્સ સાયબર એજન્સી અને ઇન્ડિયા કમ્પ્યુટર ઇમર્જન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In)નો સમાવેશ થાય છે.

બેંકે જણાવ્યું છે કે શરૂઆતની તપાસમાં અંદાજે 3.75 લાખ રેકોર્ડનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું, જેમાંથી માત્ર 3,897 ખાતાધારકોના રેકોર્ડમાં અંગત માહિતી જાહેર થઈ છે. લીક થયેલી માહિતીમાં ગ્રાહકનો નોંધાયેલ મોબાઇલ નંબર, જન્મતારીખ, લિંગ, ઈમેલ એડ્રેસ, સરનામું અને શાખાની વિગતોનો સમાવેશ થાય છે.

SBIએ ભારપૂર્વક જણાવ્યું છે કે આ ઘટનાની બેંકિંગ સેવાઓ પર કોઈ અસર થશે નહીં. બેંકિંગ કામગીરી પહેલાની જેમ સામાન્ય રીતે ચાલુ રહેશે અને ગ્રાહકોના બેંક ખાતા સુરક્ષિત છે. SBI ભારતની સૌથી મોટી બેંકોમાંની એક છે.