દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)ના 3,897 ગ્રાહકોનો ડેટા ડાર્ક વેબ પર લીક થયાની માહિતી સામે આવી છે. બેંકની પ્રારંભિક તપાસમાં આ વિગતો મળી છે. લીક થયેલા ડેટામાં ગ્રાહકોનાં નામ, ઈમેલ આઈડી, મોબાઇલ નંબર, ઘરનું સરનામું અને લોન સંબંધિત રેકોર્ડ જેવી અંગત માહિતી સામેલ હોવાની આશંકા છે. બેંકે આ મામલાની તપાસ સાયબર સુરક્ષા એજન્સીને સોંપી છે.
આ પહેલાં SBIના 3.75 લાખ ગ્રાહકોનો ડેટા લીક થયાનો દાવો કરવામાં આવ્યો હતો. સાયબર સુરક્ષા એકાઉન્ટ CyberPulse56 અનુસાર, 'Siriusim' નામના હેકર ગ્રૂપે બેંકના 3.75 લાખ ખાતાંની માહિતી હોવાનો દાવો કર્યો હતો. તે સમયે SBI તરફથી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નહોતું. હવે બુધવારે બેંકે સાયબર હુમલા અંગે માહિતી આપી છે, જેમાં પ્રારંભિક તપાસમાં 3,897 ગ્રાહકોનો ડેટા ડાર્ક વેબ પર લીક થયાની વિગતો સામે આવી છે.
SBIના જણાવ્યા અનુસાર, પ્રારંભિક તપાસમાં ગ્રાહકોની ઓળખ અને વ્યક્તિગત માહિતી સાથે જોડાયેલી વિગતો લીક થયાની માહિતી મળી છે. લીક થયેલી માહિતીની ચોક્કસ વિગતો અને તેનો વ્યાપ જાણવા તપાસ ચાલી રહી છે.
આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને SBIએ તપાસની જવાબદારી સાયબર સુરક્ષા એજન્સીને સોંપી છે. તપાસમાં કેટલો ડેટા લીક થયો છે, તેની પાછળ કોણ જવાબદાર છે અને ગ્રાહકોની માહિતીનો કોઈ દુરુપયોગ થયો છે કે નહીં, તે જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
સાયબર સુરક્ષા સંબંધિત અહેવાલો અનુસાર, લીક થયેલી વ્યક્તિગત માહિતીનો ઉપયોગ કરીને ઠગાઈ કરવાનો પ્રયાસ થઈ શકે છે. ઠગો ગ્રાહકોની વિગતોનો ઉપયોગ કરીને નકલી લોન માટે અરજી કરી શકે છે અથવા બેંકના અધિકારી હોવાનો ઢોંગ કરીને ફોન અને મેસેજ દ્વારા છેતરપિંડી કરી શકે છે. આવી સ્થિતિમાં SBIના ગ્રાહકોએ ખાસ સાવચેતી રાખવાની જરૂર છે.
કોઈની સાથે પણ OTP શેર કરશો નહીં. તમારો ATM PIN અને નેટ બેંકિંગ પાસવર્ડ ગુપ્ત રાખો. અજાણી લિંક પર ક્લિક કરવાનું ટાળો. બેંકના ખાતામાં થતા વ્યવહારો પર નિયમિત નજર રાખો. બેંકના નામે આવતા શંકાસ્પદ ફોન અને મેસેજથી સાવચેત રહો અને કોઈ અજાણી વ્યક્તિને બેંકિંગની અંગત માહિતી આપશો નહીં.
બેંકના જણાવ્યા અનુસાર, આ ડેટા લીકથી બેંક પર મોટી અસર થવાની શક્યતા નથી. મામલાની તપાસ ચાલી રહી છે અને તપાસ પૂર્ણ થયા બાદ ડેટા લીકના સમગ્ર વ્યાપ અંગે વધુ સ્પષ્ટતા થઈ શકશે.
જો તમારા બેંક ખાતામાંથી કોઈ અજાણ્યો અથવા શંકાસ્પદ વ્યવહાર થાય તો તાત્કાલિક પગલાં લો. SBIની અધિકૃત ગ્રાહક સેવા અથવા બેંકની શાખાનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવો. નાણાકીય સાયબર છેતરપિંડી થાય તો તાત્કાલિક 1930 નંબર પર સંપર્ક કરો. ટ્રાન્ઝેક્શન ID, બેંકના SMS અને વ્યવહાર સંબંધિત અન્ય વિગતો પુરાવા તરીકે સાચવી રાખો. નેટ બેંકિંગનો પાસવર્ડ બદલો અને જરૂર જણાય તો બેંકનો સંપર્ક કરીને સંબંધિત સેવા કે કાર્ડ બ્લોક કરાવો.