સત્ય. સાહસ. સંકલ્પ.

SBIના BSBD ખાતાધારકો માટે 1 ઓક્ટોબરથી નવો નિયમ, ATM કે બ્રાંચમાંથી 4 વારથી વધુ કેશ ઉપાડવા પર ચાર્જ

SBIના BSBD ખાતાધારકો માટે 1 ઓક્ટોબરથી નવો નિયમ, ATM કે બ્રાંચમાંથી 4 વારથી વધુ કેશ ઉપાડવા પર ચાર્જ

જો તમારું ખાતું સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)માં છે અને તમે મહિનામાં વારંવાર ATM કે બ્રાંચમાંથી રોકડ ઉપાડો છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. SBIએ 1 ઓક્ટોબર 2026થી રોકડ ઉપાડવાના નિયમમાં ફેરફાર કર્યો છે. નવા નિયમ હેઠળ નક્કી કરેલી મફત મર્યાદાથી વધુ વાર રોકડ ઉપાડવા પર ગ્રાહકોએ વધારાનો ચાર્જ ભરવો પડશે.

આ ફેરફાર SBIના તમામ ખાતાધારકો પર લાગુ નહીં થાય. આ નિયમ ખાસ કરીને બ્રાંચમાંથી ખોલાયેલા Basic Savings Bank Deposit (BSBD) એકાઉન્ટ ધરાવતા ગ્રાહકોને લાગુ પડશે.

SBIએ પોતાના સત્તાવાર એક્સ (X) હેન્ડલ પરની પોસ્ટમાં જણાવ્યું છે કે BSBD ખાતાધારકોને દર મહિને 4 વાર સુધી મફત રોકડ ઉપાડવાની સુવિધા મળશે. આ મર્યાદામાં ATM અને બ્રાંચ, બંનેમાંથી કરેલો ઉપાડ ગણાશે. 4 વાર સુધી ઉપાડવા પર કોઈ વધારાનો ચાર્જ નહીં લાગે.

જો તમે 4 વારથી વધુ વાર રોકડ ઉપાડશો, તો દરેક વધારાના ટ્રાન્ઝેક્શન પર 15 રૂપિયાનો ચાર્જ અને તેના પર લાગતો GST ચૂકવવો પડશે.

ડિજિટલ ટ્રાન્ઝેક્શન પર આ ફેરફારની કોઈ અસર નહીં પડે. SBIના જણાવ્યા અનુસાર, ગ્રાહકો પહેલાની જેમ ડિજિટલ પેમેન્ટ મફતમાં કરી શકશે અને તેની સંખ્યા પર કોઈ મર્યાદા રહેશે નહીં. નવો ચાર્જ ફક્ત મફત રોકડ ઉપાડની મર્યાદા વટાવતા ટ્રાન્ઝેક્શન પર જ લાગશે.

SBIએ આધાર આધારિત પેમેન્ટ સિસ્ટમ (AePS) દ્વારા થતા ટ્રાન્ઝેક્શનના નિયમમાં પણ ફેરફાર કર્યો છે. પહેલા AePS દ્વારા થતા ટ્રાન્ઝેક્શનને ડિજિટલ લેવડ-દેવડ ગણવામાં આવતું હતું અને તે મહિનામાં મળતી 4 મફત રોકડ ઉપાડની મર્યાદામાં ગણાતું નહોતું. હવે આ છૂટ હટાવી દેવામાં આવી છે. એટલે કે AePSથી થતો રોકડ ઉપાડ પણ હવે આ 4 વારની મર્યાદામાં ગણાશે.

ઉલ્લેખનીય છે કે SBIએ ઓગસ્ટમાં 3 કરોડ રૂપિયા કે તેનાથી વધુની ઘરેલું બલ્ક ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજ દરમાં પણ ફેરફાર કર્યો હતો. બેન્કે આપેલી માહિતી મુજબ નવા વ્યાજ દર 15 ઓગસ્ટથી લાગુ કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત નાણાકીય વર્ષ 2027ના પહેલા ત્રિમાસિકમાં બેન્કનું નાણાકીય પ્રદર્શન સુધર્યું છે. એપ્રિલથી જૂન ત્રિમાસિકમાં SBIનો ચોખ્ખો નફો 21,121 કરોડ રૂપિયા રહ્યો, જે ગયા નાણાકીય વર્ષના આ જ ત્રિમાસિકના 19,160 કરોડ રૂપિયાની સરખામણીએ 10.23% વધુ છે.