સત્ય. સાહસ. સંકલ્પ.

SBI શાખાઓ 26થી 30 સપ્ટેમ્બર સુધી 5 દિવસ બંધ: તાત્કાલિક કામ પતાવી લેવાની બેંકની અપીલ

SBI શાખાઓ 26થી 30 સપ્ટેમ્બર સુધી 5 દિવસ બંધ: તાત્કાલિક કામ પતાવી લેવાની બેંકની અપીલ

ભારતીય સ્ટેટ બેંક (SBI)ના ગ્રાહકો માટે મહત્ત્વની ચેતવણી છે. 26 સપ્ટેમ્બર 2026થી 30 સપ્ટેમ્બર 2026 સુધી SBIની શાખાઓ સતત પાંચ દિવસ બંધ રહેવાની છે. આ સ્થિતિ બે કારણોસર સર્જાઈ છે.

પ્રથમ, મહિનાનો ચોથો શનિવાર (26 સપ્ટેમ્બર) અને રવિવાર (27 સપ્ટેમ્બર) એ બેંકો માટે રજાના દિવસો છે. બીજું, યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU)એ 28 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર 2026 સુધી ત્રણ દિવસની દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી છે. આમ, 26થી 30 સપ્ટેમ્બર સુધી શાખાઓમાં સામાન્ય બેંકિંગ કામકાજ પ્રભાવિત રહેશે.

SBIએ ગ્રાહકોને સલાહ આપી છે કે તેઓ પોતાના જરૂરી બેંકિંગ વ્યવહારો હડતાળ પહેલાં પૂરા કરી લે. બેંક દ્વારા જારી કરાયેલી સત્તાવાર ગ્રાહક સલાહમાં જણાવાયું છે: “કૃપા કરીને નોંધ લેશો કે UFBUએ 28 સપ્ટેમ્બર 2026થી 30 સપ્ટેમ્બર 2026 સુધી ત્રણ દિવસીય હડતાળનો પ્રસ્તાવ મૂક્યો છે. અમે હડતાળ દરમિયાન આવશ્યક બેંકિંગ સેવાઓ પૂરી પાડવા માટે શક્ય તમામ પ્રયાસો કરી રહ્યા છીએ, તેમ છતાં ગ્રાહકોને વિનંતી છે કે તેઓ હડતાળની તારીખો પહેલાં જ પોતાના મહત્ત્વપૂર્ણ બેંકિંગ વ્યવહારો અગાઉથી પૂરા કરી લે.”

હડતાળ દરમિયાન શાખાઓ બંધ રહેવા છતાં, રોકડ માટે ATM અને ADWM (ઓટો ડેબિટ એન્ડ વિડ્રોઅલ મશીન) કાર્યરત રહેશે. ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં ગ્રાહક સેવા કેન્દ્રો (CSP) મારફતે પણ પાયાની સેવાઓ મળી શકશે.

બેંકે ગ્રાહકોને ઇન્ટરનેટ બેંકિંગ, YONO એપ, મોબાઇલ બેંકિંગ, UPI જેવા ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરવાની સલાહ આપી છે, જેથી ફંડ ટ્રાન્સફર કે બિલ પેમેન્ટ જેવા નાણાકીય કામોમાં અડચણ ન આવે.