સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં આ વર્ષે અપૂરતો વરસાદ પડતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે. સોમવારે (2 નવેમ્બર) સાયલાના ખેડૂતો મામલતદાર કચેરી પહોંચ્યા અને તાલુકાને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા તેમજ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં સમાવેશ કરવા આવેદનપત્ર આપ્યું હતું.
ખેડૂતોએ જણાવ્યું કે સાયલામાં સામાન્ય કરતાં 50 ટકા ઓછો વરસાદ થયો છે. કૂવા, બોરવેલ અને તળાવોમાં પાણીની ભારે અછત સર્જાઈ છે. પાણીના અભાવે કપાસ, મગફળી અને તલ સહિતના પાક સુકાવા લાગ્યા છે. પશુધન માટે ઘાસચારો અને પીવાના પાણીની સમસ્યા પણ ગંભીર બની છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં આ વખતે ચોમાસું નબળું રહેતાં રાજ્ય સરકારે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાનો નિર્ણય કર્યો છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ઓછા વરસાદને કારણે પાણી અને ઘાસચારાની ગંભીર સમસ્યા ઊભી થઈ છે, જેનાથી માલધારી અને પશુપાલકોની હાલત કફોડી બની છે. પશુધનને બચાવવા માટે તાત્કાલિક આર્થિક રાહત પેકેજ જાહેર કરવાની માગ પણ થઈ રહી છે.