સાયલા-ચોટીલા હાઈવે પર એક જ દિવસમાં બે અલગ-અલગ અકસ્માત થયા છે, જેમાં કુલ ત્રણ લોકોના મોત થયા છે. આ ઘટનાઓથી મૃતકોના પરિવારોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
પ્રથમ અકસ્માત સાયલા તાલુકાના વણકી ગામ નજીક બન્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ, એક એસટી બસ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બાઈકચાલકનું નિયંત્રણ છૂટતાં બાઈક બસ સાથે અથડાઈ હતી. આ ઘટનામાં બે યુવાનોનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. મૃતકોની ઓળખ વિક્રમ કાંજીયા અને જગદીશ દેવીપૂજક તરીકે થઈ છે, જેઓ ચુડા તાલુકાના મોરવાડ ગામના રહેવાસી હતા.
બીજો અકસ્માત ડોળીયા ગામ પાસેના ઓવરબ્રિજ પર થયો હતો. અહીં બે બાઈક વચ્ચે સામસામે ટક્કર થઈ હતી. આ ઘટનામાં બાઈક પર સવાર રમીલાબેન રાઠોડનું મોત થયું હતું. તેઓ લીંબડી ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવાની કાર્યવાહી કરી હતી. પોલીસે બંને અકસ્માત અંગે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.