સત્ય. સાહસ. સંકલ્પ.

સાયલામાં બાઇક-કાર અકસ્માત: 38 વર્ષીય મહિલાનું મોત, પતિ ઘાયલ; પીએમ માટે 5 કલાકની રાહ

સાયલામાં બાઇક-કાર અકસ્માત: 38 વર્ષીય મહિલાનું મોત, પતિ ઘાયલ; પીએમ માટે 5 કલાકની રાહ

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા નજીક અડાળા બોર્ડ પાસે કાર અને બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં 38 વર્ષીય મહિલાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું છે. મૃતક મહિલાની ઓળખ પ્રતિભાબેન પાટડીયા તરીકે થઈ છે. તેમના પતિ ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

આ અકસ્માતમાં પરિવારે બે માસૂમ બાળકોની માતા ગુમાવી છે. પાટડીયા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક વાહન મૂકીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ધજાળા પોલીસે આ અંગે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

બીજી બાજુ, અકસ્માત બાદ મૃતકના પોસ્ટમોર્ટમ માટે પરિવારજનોએ ભારે રઝળપાટ કરવી પડી હતી. સિવિલ હોસ્પિટલમાં પાંચ કલાક સુધી પીએમની કામગીરી ન થતાં પરિવારજનો અને ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો. સ્થાનિક ધારાસભ્યને જાણ કરવામાં આવતાં, તેમના ટેલિફોનિક હસ્તક્ષેપ બાદ મોડી સાંજે શબનું પીએમ હાથ ધરાયું હોવાનો પરિવારજનોએ દાવો કર્યો છે.