વડોદરા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ચાલી રહેલી સત્રાંત પરીક્ષામાં મોટી બેદરકારી સામે આવી છે. સાવલી ખાતે કેજેઆઈટી કેમ્પસમાં ચાલતી જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સે 29 ઓક્ટોબરે લેવાનારી ધોરણ 6 અને 7ની સામાજિક વિજ્ઞાનની પરીક્ષા આજે જ લઈ લીધી હતી.
જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓનું પરીક્ષાનું ટાઈમ ટેબલ એક સમાન છે. તે અનુસાર તમામ શાળાઓમાં 29 ઓક્ટોબરે ધોરણ 6 અને 7ની સામાજિક વિજ્ઞાનની પરીક્ષા લેવાની હતી. પરંતુ જ્ઞાનશક્તિ સ્કૂલના સંચાલકોએ આજે જ આ વિષયની પરીક્ષા લઈ લીધી હતી. આ ઘટનાથી ભારે ઉહાપોહ થયો હતો.
સ્કૂલ ઓફ એક્સેલન્સનો દરજ્જો ધરાવતી સ્કૂલના અંધેર વહીવટથી સર્જાયેલા છબરડાના કારણે જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિ પણ ચોંકી ઉઠી હતી. એક દિવસ વહેલી પરીક્ષા લેવાઈ ગઈ હોવાથી આ પેપર જાહેર થઈ ગયું ગણાય. તેથી જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં ધોરણ 6 અને 7ની સામાજિક વિજ્ઞાનની પરીક્ષા રદ કરવામાં આવી છે. હવે આ પરીક્ષા 2 નવેમ્બરે લેવામાં આવશે. જ્યારે ધોરણ 8ની સામાજિક વિજ્ઞાનની પરીક્ષા 28 ઓક્ટોબરે રાબેતા મુજબ લેવામાં આવશે.
કોમન ટાઈમ ટેબલ પ્રમાણે જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં આજે ધોરણ 6 અને 7માં અંગ્રેજી વિષયની પરીક્ષા લેવાની હતી અને તેની જગ્યાએ જ્ઞાનશક્તિ સ્કૂલમાં સામાજિક વિજ્ઞાનના પેપરની પરીક્ષા લેવામાં આવી હતી. આમ હવે આ સ્કૂલના વિદ્યાર્થીઓની અંગ્રેજી વિષયની પરીક્ષા લેવા પર પણ સવાલો ઉભા થયા છે. આ સ્કૂલ માટે પણ અંગ્રેજીનું નવું પેપર સેટ કરીને પરીક્ષા લેવી પડશે.
ડીપીઓઈન્ચાર્જ ડીઈઓ તથા ડીપીઓ મહેશ પાંડેએ કહ્યું કે, સ્કૂલની બેદરકારી સાબિત થાય છે અને તેના કારણે પરીક્ષા રદ કરવાની ફરજ પડી છે. સ્કૂલ સામે આકરી કાર્યવાહી કરવા માટે શિક્ષણ વિભાગને ભલામણ કરવામાં આવશે. જોકે કયા પ્રકારની આકરી કાર્યવાહી કરાશે તેનો ફોડ મહેશ પાંડેએ પાડ્યો નહોતો.