વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં માઈનોર કેનાલો જર્જરિત હાલતમાં હોવાથી ખેડૂતોની મુશ્કેલીઓ વધી રહી છે. સમલાયા ગોદામ પૂરા રોડ પાસે માઈનોર કેનાલમાં ગાબડું પડતાં હજારો લિટર પાણી વહી ગયું.
બીજી બાજુ રાણીપુરા ગામ નજીક અન્ય એક કેનાલમાં ભંગાણ સર્જાતાં પાણી ખેતરોમાં ફેલાઈ ગયું. ખેતરોમાં પાણી ભરાઈ જતાં ખેડૂતોને આવ-જામાં તકલીફ પડી રહી છે. પાણી ઉલેચવા માટે ખેડૂતોએ ડીઝલ પંપનો સહારો લીધો છે.
કેનાલોમાં વારંવાર ભંગાણ પડવાથી નર્મદા નિગમની કામગીરી અને કેનાલના બાંધકામની ગુણવત્તા અંગે પ્રશ્નો ઊભા થયા છે. ખેડૂતોનો આરોપ છે કે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોએ કેનાલના કામમાં ભ્રષ્ટાચાર કર્યો છે.
તાલુકાના ઘણા ખેડૂતોને જરૂરિયાત મુજબ સિંચાઈનું પાણી મળતું નથી, જેના કારણે પાક નિષ્ફળ જવાનો ડર તેમને સતાવી રહ્યો છે. અગાઉ વરસાદ ખેંચાયો હતો અને ત્યારબાદ કમોસમી વરસાદે ખેડૂતોની તકલીફ વધારી હતી. હવે સારા રવિપાકની આશા હતી, ત્યારે કેનાલોમાં ગાબડાં પડતાં ખેડૂતો વધુ મુશ્કેલીમાં મુકાયા છે.
ખેડૂતોએ કેનાલોનું તાત્કાલિક સમારકામ કરીને પૂરતું સિંચાઈ પાણી આપવાની માગ કરી છે. માગ નહીં સંતોષાય તો નર્મદા નિગમ સામે આંદોલન કરવાની ચીમકી પણ ખેડૂતોએ આપી છે.