સત્ય. સાહસ. સંકલ્પ.

'ઝીરોથી શરૂ કર્યું, વચ્ચે ફરી ઝીરો થઈ ગયા, પણ ઊભા થઈ ગયા': સવજી ધોળકિયાની સફર

'ઝીરોથી શરૂ કર્યું, વચ્ચે ફરી ઝીરો થઈ ગયા, પણ ઊભા થઈ ગયા': સવજી ધોળકિયાની સફર

હીરાના ઉદ્યોગમાંથી રૂ. 12,000 કરોડની સંપત્તિ ઊભી કરનારા સવજી ધોળકિયાએ કહ્યું છે કે તેમણે જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. એક સમયે ઝીરોથી શરૂઆત કરી, વચ્ચે ફરી ઝીરો થઈ ગયા, પણ ફરી ઊભા થઈને આજે આ સ્થાન સુધી પહોંચ્યા છે.

અમરેલી વિસ્તારના મૂળ વતની અને હાલ સુરતમાં સ્થાયી થયેલા સવજીભાઈએ 'દિવ્ય ભાસ્કર'ને આપેલી મુલાકાતમાં જણાવ્યું કે તેઓ 12 વર્ષના હતા ત્યારે સુરત આવ્યા હતા. ત્યારે તેમના 'બા' તેમને રોજ સવારે પૂજા કરાવતા. "હું કયા પરિવારનો છું અને મારા શું સંસ્કાર છે, એ દરરોજ સવારે મને યાદ કરાવાતું, એટલે એનો મને ફાયદો થયો," તેમ સવજીભાઈએ જણાવ્યું.

18 વર્ષની ઉંમરે તેમને વડીલ ગોપાલભાઈ મળ્યા, જેમની સાથેની વાતચીતે તેમના જીવનની દિશા બદલી નાખી.

સંપત્તિ અંગે પૂછવામાં આવતાં સવજીભાઈએ કહ્યું કે પોતાના માટે તો કોઈ દિવસ 'સંઘર્ષ' જેવું કંઈ રહ્યું જ નથી. "સંઘર્ષ કોને ગણવો એ બહુ મુશ્કેલ છે. મેં સંઘર્ષ એન્જોય કર્યો અને એન્જોય કરવાની સાથે સાથે કામ કર્યું. પૈસા તો મને પ્રોડક્ટ દીઠ અને ખુશી ખુશી મળ્યા છે," તેમ તેમણે કહ્યું.

સંપત્તિ માટે પ્રયાસ કરવા જોઈએ, પણ અનીતિ કે ખોટા રસ્તે જવું ન જોઈએ, એમ તેમણે ચેતવ્યું. "ખોટા રસ્તે જશો તો સંપત્તિ દૂર ભાગશે. અમે મણો મોઢે સોનું અને હીરા રાખીએ છીએ," તેમ તેમણે ઉમેર્યું.

તેમની દૃષ્ટિએ સંપત્તિને વધારે પકડવાની કોશિશ કરવાથી એ વધુ દૂર થાય છે. "સંપત્તિને છૂટી મૂકી દો. આ તો લક્ષ્મીજી છે. મર્યાદા અને આદરથી વાપરો તો સંપત્તિ તમારા ઘરે જરૂર આવશે. જ્યારે કુદરત અને સમાજને લાગે કે આ વ્યક્તિ સંપત્તિનો સાચો ઉપયોગ કરશે, ત્યારે સંપત્તિનું સર્જન આપોઆપ થવા લાગે છે," તેમ સવજીભાઈએ કહ્યું.

જીવનનો સૌથી મોટો પડકાર 2007માં આવ્યો હતો. તે સમયે તેમણે વિચાર્યું કે ભગવાન પરીક્ષા લે છે અને આપણે ઈમાનદારીથી રમીએ છીએ, એટલે બીજાના પૈસા ગયા છે, પોતાના એકલાના નથી ગયા. "હવે લાયક હશે તેને મળશે અને આપણે તો લાયક છીએ જ, એટલે ભગવાન આપણને આપશે જ. એક સમયે ઝીરોથી શરૂ કર્યું અને વચ્ચે ફરી ઝીરો થઈ ગયા હતા, તો કોઈ ફરક પડ્યો નથી. ફરી શરૂ કર્યું અને ફરી રિકવર થઈ ગયા," તેમ તેમણે જણાવ્યું.

મુશ્કેલીઓ ઘણી આવી, પણ તેમણે મુશ્ચકેલી તરફ જોયું જ નથી, તેમાંથી રસ્તો શોધ્યો છે. "મુશ્કેલી આપણને પાકા બનાવવા અને ઘડવા માટે આવે છે. મુશ્કેલી પછી સારા દિવસો જ હોય છે. મુશ્કેલી આપણી પરીક્ષા લે છે અને આપણે એ પરીક્ષામાં પાસ થવાનું છે," તેમ તેમણે કહ્યું.

પૈસા વિશે તેમનો અભિગમ સ્પષ્ટ છે. "પૈસા જેટલા વધુ આવે એટલા વધુ તમે નમો. પૈસા જેટલા વધુ આવે એટલા વધુ લોકોના કામ આવે. કર્મચારીઓ માટે, સમાજ માટે, સોસાયટી માટે કામ આવે એટલે પૈસા વધુ આવે છે. પૈસા હું મારા માટે નથી કમાતો. પૈસાનો હું યોગ્ય વ્યવહાર અને ઉપયોગ કરું છું, ન્યાય કરું છું એટલે પૈસા મને વધુ આવે છે," તેમ સવજીભાઈએ જણાવ્યું.

પોતાના જીવનનો સૌથી કપરો સમય કયો, એ પૂછવામાં આવતાં તેમણે કહ્યું કે 12 રૂપિયા લઈને આવ્યા હતા, એટલે તેનાથી કપરો સમય હોઈ જ ન શકે. "ખિસ્સામાં કંઈ ન હતું અને ભણ્યો નહોતો, એનાથી કપરો સમય તો કોઈ હોઈ જ ન શકે. અભણ હતો, અબોલો હતો, પૈસા વગરનો હતો, એટલે કપરા સમયની તો વાત જ નથી. રોજેરોજ સારા દિવસો જ ગયા છે. હવે પ્રોબ્લેમ આવે, તો પૈસા અને પ્રતિષ્ઠા વધે એટલે આવવાના જ છે. એ આવે એટલે સમજવાનું કે આપણે સાચા રસ્તે છીએ," તેમ તેમણે કહ્યું.

પોતાની પાસે રહેલી કાર અને હીરા-સોના અંગે તેઓ કહે છે કે ગાડીઓ ઘણી છે, પણ એ છોકરાઓના શોખ માટે છે. "મને કોઈ એવો મોટો શોખ નથી. હું તો ભારતીય કાર વાપરતો દેશી, સાદો માણસ છું, ભારતીય બ્રાન્ડ પહેરતો માણસ છું. પણ છોકરાઓ કહે કે અમારા માટે કંઈક મોકળું કરો. એટલે ઈમ્પોર્ટેડ કાર લઈએ છીએ, બ્રાન્ડેડ કપડાં લઈએ છીએ. એ છોકરાઓ માટે થઈને લઈએ છીએ, બાકી મને શોખ નથી," તેમ તેમણે જણાવ્યું.

સફળતાનો શ્રેય સવજીભાઈ માતા-પિતા તથા પત્નીને આપે છે. "મારા ઘરની લકીમાં લકી લક્ષ્મીજી હોય તો મારી મા અને મારી પત્ની. મારી મમ્મીની સલાહ પ્રમાણે ચાલ્યો છું અને મારી પત્ની આવ્યા પછી મારા ઘરે પાનખર ઋતુ આવી નથી. દરરોજ દિવસ ચઢતો રહ્યો છે. એટલે હું માનું છું કે એ બન્ને લકી છે. અમારું આખું ઘર લકી છે, કારણ કે અમે 65 જણા છીએ. હજી મને ખબર નથી કે કોણ લકી છે. પણ કોઈના નસીબ ચાલે છે અને 65 જણા ખાય છે," તેમ તેમણે કહ્યું.

તેમણે ઉમેર્યું કે લક્ષ્મીજી બધાને ત્યાંથી જતાં રહે છે, માત્ર તેમના એકલાના ત્યાંથી નથી જતાં. "આપણે લાયક છીએ એટલે આપણને મળવાનું છે. મારે મોટો માણસ નહીં, સારો માણસ થવું છે," તેમ સવજીભાઈએ કહ્યું.