અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં છેલ્લા 60 વર્ષથી દિવાળીની રાત્રે રમાતી પરંપરાગત 'ઈંગોરિયાની લડાઈ' આ વર્ષે પણ ભારે ઉત્સાહ સાથે યોજાઈ હતી. દેવડા ગેટ પાસે રાત્રિના 10 વાગ્યાથી મધ્યરાત્રિના 1 વાગ્યા સુધી ચાલતી આ રમતમાં આશરે બે થી અઢી લાખ કોકડા અને ઈંગોરિયાનો ઉપયોગ થયો હતો.
ઈંગોરિયું મૂળ ચીકુ જેવા આકારનું ફળ છે, જેને વૃક્ષ પરથી ઉતારીને તેની છાલ ખોલી અંદર દારૂ અને સુરુખાર ભરવામાં આવે છે. સમય જતાં હિંગોળિયાનું વૃક્ષ લુપ્ત થવાથી સ્થાનિક યુવાનોએ તેના વિકલ્પ તરીકે 'કોકડા'નો ઉપયોગ શરૂ કર્યો છે. આ તમામ સામગ્રી હાથથી બનાવેલી હોય છે અને હર્બલ ફટાકડા જેવી હોવાથી પર્યાવરણને નુકસાન પહોંચાડતી નથી.
આ રમત જોવા માટે દેશ-વિદેશથી હજારો લોકો ઉમટ્યા હતા. જ્ઞાતિ-જાતિના ભેદભાવ ભૂલીને રમાતી આ પરંપરાએ સાવરકુંડલાને વૈશ્વિક સ્તરે અલગ ઓળખ અપાવી છે.
ઈંગોરિયા અને કોકડા બનાવવાની કળા હવે મોટા ગૃહઉદ્યોગમાં પરિવર્તિત થઈ રહી છે. સ્થાનિક શ્રમિકો છેલ્લા બે મહિનાથી રાત-દિવસ મહેનત કરીને આ વસ્તુઓ બનાવે છે, જેનાથી અનેક પરિવારોને રોજગારી મળી રહી છે અને આ ચીજવસ્તુઓ રાજ્યભરના નેતાઓ તથા ગામડાઓ સુધી પહોંચી રહી છે.
આ રમતનો રોમાંચ માણવા અમરેલી કલેક્ટર અને સ્થાનિક ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. કલેક્ટરે જાતે રમતમાં ભાગ લઈને જણાવ્યું કે આવી અદ્ભુત રમત અન્યત્ર ક્યાંય જોવા મળતી નથી.