અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના હાડીડા ગામમાં નાણાકીય તંગીમાં ફસાયેલા એક પિતાએ પોતાની પાંચ વર્ષની દીકરીની શ્વાસ રુંધીને હત્યા કરી અને ત્યાર બાદ પોતે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો. બાળકીનો મૃતદેહ ઘરના ફ્રિજમાં મળી આવ્યો હતો.
મૃતકનું નામ કિશોરભાઈ ધાણક છે. તેઓ હાડીડા ગામમાં ભાડાના મકાનમાં રહેતા હતા અને બાંધકામ સાઇટ પર સુપરવાઈઝર તરીકે કામ કરતા હતા. બનાવના દિવસે તેઓ નાણાંની ઉઘરાણી માટે મહુવા જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા.
સાંજે તેમનાં પત્ની મંજુબેન અને સગા-સંબંધીઓ ઘરે પહોંચ્યા ત્યારે ઘર અંદરથી બંધ હતું. ગામના સરપંચ અને ગ્રામજનોની મદદથી દરવાજો તોડીને અંદર પ્રવેશ કરતાં કિશોરભાઈ ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા.
રૂમમાં પાંચ વર્ષની દીકરી હિમાંશી ઉર્ફે દીકુ દેખાતી ન હોવાથી લોકોએ શોધખોળ શરૂ કરી હતી. તપાસ દરમિયાન ફ્રિજમાંથી બાળકીનો મૃતદેહ મળી આવતાં સૌ સ્તબ્ધ થઈ ગયા હતા. મૃતદેહને આસન પર બેસાડી, આજુબાજુ ઓશિકાના ટેકા મૂકી, મોંમાં તુલસીનું પાન, ગળામાં ગલગોટાનો હાર અને માથે માતાજીની ચૂંદડી ઓઢાડેલી હતી.
સુસાઇડ નોટમાં આર્થિક તંગીનો ખુલાસો
પોલીસને ઘટનાસ્થળેથી કિશોરભાઈએ લખેલી ત્રણ ચિઠ્ઠીઓ મળી આવી છે. તેમાં તેમણે જણાવ્યું છે કે બાકી નીકળતા નાણાં ન મળતાં આર્થિક સંકટથી કંટાળીને આ પગલું ભર્યું છે.
પત્ની મંજુબેનને સંબોધીને લખેલી ચિઠ્ઠીમાં તેમણે જણાવ્યું હતું: “મંજુ, મેં જીવનમાં તારા પર વિશ્વાસ ન કર્યો અને બીજા પર કર્યો. તારી બુટ્ટી પણ મેં વેચી નાખી. હું તારો ગુનેગાર છું. મારા કામના પૈસા મારા મહુવાના મિત્રએ ખોટા કર્યા. મેં મારા મિત્ર પર ભરોસો કર્યો, તેણે મારી સાથે દગો કર્યો. હાલમાં મને કોઈ સહકાર આપે તેમ નથી, માટે હું અને મારી દીકરી આત્મહત્યા કરી રહ્યા છીએ. મારી દીકરીને મારી જેમ તમે લાડ ન લડાવી શકો, માટે હું મારી દીકરીને મારી સાથે લઈ જાઉં છું. મને ખરાબ સપનું સમજી ભૂલી જાજો, બની શકે તો મને માફ કરી દેજો.”
દીકરી પોતાના મૃત્યુ પછી અનાથ અને દુઃખી ન થાય તે માટે મોં પર હાથ દાબીને શ્વાસ રુંધી તેની હત્યા કરી હોવાની વિગત પણ તેમણે ચિઠ્ઠીમાં જણાવીને માફી માંગી હતી.
મહુવાના વ્યક્તિ સામે પત્નીના આરોપ
મૃતકનાં પત્ની મંજુબેનના જણાવ્યા મુજબ, કિશોરભાઈ મહુવામાં મહમદભાઈ નામના વ્યક્તિની સાઇટ પર કામ કરતા હતા. ત્રણ વર્ષની કમાણીના એકસાથે મળેલા રૂ. ૭ લાખ તેમણે મહમદભાઈના કહેવાથી સાઇટ પર રોકી દીધા હતા. ત્યાર બાદ બીજે-ત્રીજે દિવસે વધુ રૂ. ૨ લાખની લોન લઈને તથા સોનાની બુટ્ટી બેંકમાં મૂકીને નાણાં રોક્યાં હતાં. મહુવા ખાતે કરેલા કામના રૂ. ૭.૨૫ લાખ બાકી નીકળતા હોવા છતાં ન મળતાં તેઓ માનસિક તણાવમાં આવી ગયા હતા.
પાડોશીએ આપી માહિતી
મૃતકના પાડોશી પ્રદીપભાઈ નરોત્તમભાઈ દેવગાણિયાએ જણાવ્યું કે ગઈકાલે સાંજે આશરે ૭ વાગ્યે કિશોરભાઈનાં પત્ની મંજુબેને તેમના ઘરે આવીને આ દુર્ઘટના અંગે જાણ કરી હતી. બનાવની જાણ થતાં જ તેઓ તરત ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સ્થિતિ ગંભીર જણાતાં સરપંચ નજુભાઈનો સંપર્ક કર્યો હતો. ત્યાર બાદ સરપંચને સ્થળ પર બોલાવીને પોલીસ સ્ટેશનમાં બનાવ અંગે જાણ કરવામાં આવી હતી. પોલીસની હાજરીમાં કાયદેસરની કાર્યવાહી કરીને પાંચ વર્ષની પુત્રી અને કિશોરભાઈ, બંનેના મૃતદેહ નીચે ઉતારવામાં આવ્યા હતા. પિતા-પુત્રીના મોતથી પરિવાર પર આભા ફાટી પડ્યું છે અને ગામમાં સન્નાટો વ્યાપી ગયો છે.
પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી
આ મામલે મૃતકનાં પત્ની મંજુબેન ધાણકની ફરિયાદના આધારે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ ૧૦૩(૦૧) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે મૃતક કિશોરભાઈ અને તેમનાં પત્નીના મોબાઈલ ફોન કબજે લીધા છે. કિશોરભાઈના ફોનમાંથી તમામ ડેટા ડિલીટ થયેલો મળ્યો હોવાથી પોલીસ કૉલ ડિટેઈલ્સના આધારે ગુપ્ત તપાસ ચલાવી રહી છે.