'મહાભારત' ટીવી સીરિયલમાં ભીમનું પાત્ર ભજવનાર અને WWE રેસલર સૌરવ ગુર્જરની હૈદરાબાદ પોલીસે ધરપકડ કરી છે. તેમના પર એક 29 વર્ષની મહિલાએ લગ્નનું વચન આપીને શોષણ કરવાનો આરોપ લગાવ્યો છે.
પોલીસ અનુસાર, સૌરવને મુંબઈ એરપોર્ટ પરથી કસ્ટડીમાં લઈને હૈદરાબાદ લાવવામાં આવ્યા. કાનૂની પ્રક્રિયા બાદ તેમને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.
મહિલાની ફરિયાદ મુજબ, 2021માં ઇન્સ્ટાગ્રામ પર તેમની સૌરવ સાથે મુલાકાત થઈ હતી. ત્યારબાદ બંને વોટ્સએપ પર વાતચીત કરતા થયા અને નિકટતા વધી. 25 ડિસેમ્બર 2021ના રોજ બંને પહેલીવાર મળ્યા, જ્યારે સૌરવે લગ્ન કરીને પત્નીનો દરજ્જો આપવાનું વચન આપ્યું. બાદમાં બંને અમેરિકામાં સાથે રહેવા લાગ્યા અને ભારત પરત ફર્યા પછી પણ સાથે રહ્યા.
મહિલાનો આરોપ છે કે સૌરવના કહેવાથી તેમણે અમેરિકામાં પોતાની નોકરી છોડી દીધી, કારણ કે સૌરવે બંને મળીને નવો બિઝનેસ શરૂ કરવાનું વચન આપ્યું હતું. જ્યારે પણ તે લગ્ન અંગે પૂછતી, ત્યારે સૌરવ તેનો નંબર બ્લોક કરી દેતો અને દૂર થઈ જતો. માનસિક ઉત્પીડનને કારણે તે પોતાની કારકિર્દી પર ધ્યાન આપી શકી નહીં.
ફરિયાદીના જણાવ્યા અનુસાર, સૌરવ ઓક્ટોબર 2025થી માર્ચ 2026 સુધી તેની સાથે હૈદરાબાદમાં રહેતો હતો. આ દરમિયાન કોઈ જાણકારી આપ્યા વિના તે અચાનક ગાયબ થઈ ગયો. ત્યારબાદ મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી. ગચ્ચીબૌલી પોલીસે તપાસ શરૂ કરી અને સૌરવની ધરપકડ કરી.
સૌરવ ગુર્જરે 2013માં સ્ટાર પ્લસની સીરિયલ 'મહાભારત'માં ભીમની ભૂમિકા ભજવી હતી. 2016-2017માં 'સંકટમોચન મહાબલી હનુમાન'માં રાવણ અને વાલીના પાત્ર ભજવ્યા. 2022માં ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું, જેમાં સપોર્ટિંગ વિલનનું પાત્ર હતું. ફેબ્રુઆરી 2025માં કલર્સ ટીવીના શો 'શિવ શક્તિ - તપ ત્યાગ તાંડવ'થી ટીવી પર વાપસી કરી.