સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ અને રાજકોટ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો, જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ઉપલેટા, ખાંભા અને ગીર નજીકનાં ગામોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. અચાનક વાતાવરણમાં પલટો આવતાં ખેતરોમાં તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખાસ કરીને મગફળીના પાથરા વરસાદી પાણીમાં પલળી જતાં ખેડૂતોની મુશ્કેલી વધી છે.
રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. ઉપલેટાના ગાંધી ચોક, કટલેરી બજાર અને બસ સ્ટેન્ડ ચોક સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. અચાનક પડેલા વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેતરોમાં તૈયાર પાકને નુકસાન થવાની આશંકા છે.
અમરેલી જિલ્લામાં પણ કમોસમી વરસાદને પગલે ખેડૂતોની ચિંતા વધી છે. ખાંભા અને ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. કપાસ, મગફળી અને સોયાબીન સહિતના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. વરસાદને કારણે ખેડૂતોને તૈયાર પાકની સુરક્ષાની ચિંતા સતાવી રહી છે.
ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો હતો. કોડીનારના ગીર નજીક આવેલા ઘાટવડ, કંટાળા, પાવટી અને સાંઢળીધાર સહિતનાં ગામોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદને કારણે અનેક ખેડૂતોના મગફળીના પાથરા પાણીમાં પલળી ગયા હતા. કમોસમી વરસાદથી પાકને કેટલું નુકસાન થયું છે તે અંગે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં ગુજરાતના હવામાનમાં પલટો આવવાની શક્યતા છે. હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આજે સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ સામાન્ય વરસાદ પડી શકે છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના નવસારી, તાપી, ડાંગ અને વલસાડ જિલ્લામાં પણ હળવોથી મધ્યમ વરસાદ વરસવાની શક્યતા છે.