રાજકોટ: સૌરાષ્ટ્રમાં આ વર્ષે ઓછો વરસાદ પડતાં રાજકોટ જિલ્લાના મોટાભાગના ડેમોમાં પાણીની અછત સર્જાઈ છે. ડેમ વિસ્તારમાં અત્યાર સુધીમાં માત્ર 15થી 16 ઈંચ વરસાદ નોંધાયો છે, જેના કારણે જિલ્લાના મોટાભાગના જળાશયોમાં જળસંકટના એંધાણ વર્તાઈ રહ્યા છે.
રાજકોટ જિલ્લામાં નાના-મોટા મળીને કુલ 27 ડેમ આવેલા છે. આ પૈકી આજી-2, આજી-3 અને ન્યારી-2 ડેમ ઓવરફ્લો થયા છે. જ્યારે જિલ્લાના 15 ડેમમાં 60થી 70 ટકા પાણીનો જથ્થો સંગ્રહાયો છે. બીજી તરફ 9 ડેમમાં માત્ર 30થી 40 ટકા જ પાણી છે. ભાદર-1માં 25 ટકા અને આજી-1માં 53 ટકા પાણીનો જથ્થો છે. જ્યારે ભાદર-2માં 78 ટકા અને લાલપરીમાં 100 ટકા પાણીનો જથ્થો છે.
હાલમાં ભાદર-1 ડેમમાંથી સિંચાઈ અને પીવાના પાણી માટે પાણી સપ્લાય કરવામાં આવી રહ્યું છે. અત્યારે સિંચાઈ માટે પૂરતો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. રવિ પાક માટે ખેડૂતોની માંગણીને પગલે પાણી છોડવામાં આવે છે.
રાજ્યમાં આ વખતે જરૂર કરતાં ઓછો વરસાદ નોંધાયો છે, જેમાં ખાસ કરીને રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદર અને કચ્છ જિલ્લામાં સૌથી ઓછો વરસાદ થયો છે. રાજકોટમાં આ વર્ષે સીઝનનો માત્ર 15થી 16 ટકા વરસાદ થતાં જિલ્લાના જળાશયો 100 ટકા ભરાયા નથી. આ સીઝનમાં જિલ્લાના 27 ડેમ પૈકી માત્ર ત્રણ ડેમ જ 100 ટકા ભરાયા છે. હાલ રાજકોટના જળાશયોમાં 60થી 70 ટકા પાણીનો સંગ્રહ છે.
આ સ્થિતિને જોતાં જળસંકટના એંધાણ વર્તાઈ રહ્યા છે. જોકે તંત્રનો દાવો છે કે જો જળસંકટની સ્થિતિ ઊભી થશે તો સૌની યોજના હેઠળ ડેમમાં પાણી છોડવામાં આવશે.