ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. આજે દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ મેઘરાજાએ ધમાકેદાર પધરામણી કરી છે. અમરેલી, બોટાદ અને રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વરસાદ પડતાં ખેડૂતોમાં આનંદ છવાયો છે, પરંતુ મગફળીના પાથરા પલળવાથી ચિંતા પણ વધી છે.
સૌરાષ્ટ્ર પંથકમાં વિરામ બાદ મેઘરાજાએ ફરી ધમાકેદાર પધરામણી કરીને અમરેલી, બોટાદ, રાજકોટ, ભાવનગર, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના વિવિધ શહેરો તેમજ ગ્રામ્ય વિસ્તારોને મોડી રાત્રે તથા દિવસ દરમિયાન ગાજવીજ સાથે ભીંજવી દીધા છે. વીજળીના કડાકાભડાકા અને પવન સાથે ધોધમાર વરસેલા આ વરસાદથી કપાસ, મગફળી અને સોયાબીનના પાકને મોટું નવજીવન મળતાં ધરતીપુત્રોમાં આનંદ છવાયો છે.
અમરેલીના રાજુલા શહેર સહિત વડ, છતડીયા, કડિયાળી અને હિંડોરણા ગામોમાં ત્રણ દિવસના વિરામ બાદ વરસાદી ઝાપટાં પડ્યા હતા. બોટાદ જિલ્લાના અવેડાગેટ, હીરા બજાર, મંગળપરા, કલેકટર કચેરી, ખસ રોડ અને ભાવનગર રોડ જેવા શહેરી ભાગો ઉપરાંત બરવાળા તાલુકાના સમઢીયાળા, સેંથળી અને ઢાંકણીયા ગામોમાં સાર્વત્રિક મેઘમહેર થઈ હતી. રાજકોટના જસદણ તાલુકામાં સરેરાશ દોઢ ઈંચ ધોધમાર વરસાદથી ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. ભાવનગરના મહુવા તાલુકાના વડલી, વાઘનગર અને ભૂતેશ્વર ગામોમાં, ગીર સોમનાથના ગીર ગઢડા શહેર સહિત ધોકડવા, સનોસરા, નવા ઉગલા, મહોબત પરા અને ખિલાવડ ગામોમાં પણ મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી હતી. આ સિવાય જૂનાગઢ શહેરમાં એક દિવસના વિરામ બાદ પુનઃ વરસાદી માહોલ જામ્યો હતો.
આ સમયસરના વરસાદથી કપાસ અને સોયાબીન જેવા પાકને સીધો ફાયદો થશે અને વિરામ બાદ ખેડૂતોની ચિંતા દૂર થઈ છે. જોકે, રાજકોટના જસદણ પંથકમાં કેટલાક ઠેકાણે ખેતરોમાં ઉપાડેલી મગફળીના પાથરા વરસાદી પાણીમાં પલળી જતાં ખેડૂતોને આંશિક નુકસાનીનો ભય પણ સતાવી રહ્યો છે.