સૌરાષ્ટ્રમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે. દ્વારકા પંથકમાં મેઘરાજાએ જોરદાર વરસાદ કર્યો, જ્યારે રાજકોટ જિલ્લાના ધોરાજી અને જેતપુર તાલુકામાં સવારથી ધીમીધારે વરસાદ શરૂ થતાં ખેડૂતોના મુખ પર ખુશીની લહેર ફરી વળી છે. કપાસ, મગફળી અને સોયાબીન જેવા પાકો માટે આ વરસાદ અમૃત સમાન સાબિત થયો છે.
દ્વારકા પંથકમાં આજે સતત અડધો કલાક સુધી ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદના કારણે રોડ-રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. ગણેશ મહોત્સવના પ્રારંભથી દ્વારકામાં દરરોજ મધ્યમથી ભારે વરસાદ વરસી રહ્યો છે. જોકે આજે માત્ર દ્વારકા શહેર અને તાલુકાના ગામોમાં જ વરસાદ વરસ્યો, જ્યારે ઓખા, મીઠાપુર અને કલ્યાણપુર તાલુકામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું.
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં એક દિવસના વિરામ બાદ આજે ફરી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે ધોરાજી પંથકમાં ધીમીધારે વરસાદ શરૂ થયો. ધોરાજીના સ્ટેશન રોડ, અવેડા ચોક, ગેલેક્સી ચોક, જમનાવડ રોડ સહિતના વિસ્તારમાં ધીમીધારે વરસાદ વરસ્યો. આ વરસાદના પગલે ખેડૂતો ખુશખુશાલ થયા છે. તેમના કપાસ, મગફળી, સોયાબીન, એરંડા અને ડુંગળીના પાકને ફાયદો થશે. ધોરાજીમાં અત્યાર સુધીમાં સિઝનનો 54.04 ટકા વરસાદ વરસ્યો છે, એટલે કે 17.92 ઈંચ વરસાદ નોંધાયો છે.
ધોરાજીની સાથોસાથ જેતપુર શહેર અને આસપાસના ગામોમાં પણ વરસાદ શરૂ થયો. વહેલી સવારથી જ જેતપુર પંથકમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. જેતપુર શહેરના તીનબત્તી ચોક, ફૂલવાડી ચોક, બસ સ્ટેન્ડ ચોક, ચાંદની ચોક, એમજી રોડ, મતવા શેરી, અમરનગર રોડ અને જૂનાગઢ રોડ સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસ્યો. આ વરસાદથી ખેડૂતોના કપાસ, મગફળી, સોયાબીન, એરંડા અને ડુંગળીના પાકોને ફાયદો થશે. જેતપુર તાલુકામાં અત્યાર સુધીમાં સિઝનનો 18.40 ઈંચ સાથે 59.35 ટકા વરસાદ વરસ્યો છે.
ધોરાજી અને જેતપુર તાલુકામાં ધીમીધારે વરસાદથી ખેડૂતો ખુશખુશાલ થયા છે. કપાસ, મગફળી, સોયાબીન, એરંડા અને ડુંગળી જેવા પાકો માટે આ વરસાદ અમૃત સમાન સાબિત થયો છે.