સત્ય. સાહસ. સંકલ્પ.

વરસાદની ઘટ વચ્ચે સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘમહેર: કચ્છ, અમરેલી અને જામનગરમાં વરસાદથી ખેડૂતો હરખાયા

વરસાદની ઘટ વચ્ચે સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘમહેર: કચ્છ, અમરેલી અને જામનગરમાં વરસાદથી ખેડૂતો હરખાયા

ગુજરાતમાં ચોમાસાની ઋતુમાં વરસાદની ઘટ વચ્ચે બુધવારે (9 સપ્ટેમ્બર) સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો હતો. આનાથી લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં આશાનો સંચાર થયો છે.

અમરેલી જિલ્લાના ધારી, ખાંભા, સાવરકુંડલા અને જાફરાબાદ સહિતના તાલુકાઓમાં છેલ્લા દોઢ મહિનાના વિરામ બાદ વરસાદી ઝાપટાં પડ્યાં છે. સાવરકુંડલાના ખડસલી ગામે ધોધમાર વરસાદ નોંધાયો હતો, જ્યારે જાફરાબાદ શહેરમાં હળવાથી મધ્યમ વરસાદ પડ્યો હતો. અમરેલીના અન્ય તાલુકાઓમાં પણ વરસાદની આશા સેવાઈ રહી છે.

કચ્છમાં પણ લાંબા વિરામ બાદ સવારના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. પશ્ચિમ કચ્છના અબડાસા, નખત્રાણા અને ભુજના કોટડા ચકાર સહિતના વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. આનાથી લોકોમાં વધુ વરસાદની આશા જાગી છે.

જામનગર જિલ્લામાં આશરે 42 દિવસના લાંબા વિરામ બાદ આજે મેઘરાજાએ ફરી પધરામણી કરી છે. શહેરમાં બપોરે 12 વાગ્યા બાદ ઝાપટાં પડ્યાં, જ્યારે ધ્રોલમાં બપોરે 4 વાગ્યા પછી ઝાપટું પડ્યું અને 5 મિ.મી. જેટલો વરસાદ નોંધાયો. કાલાવડમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝાપટું પડ્યું હતું.

છેલ્લા 42 દિવસથી વરસાદ ન પડતાં ખેતરોમાં ઊભો પાક સુકાઈ રહ્યો હતો. આ વરસાદથી પાકને નવું જીવન મળવાની આશા ખેડૂતોએ વ્યક્ત કરી છે. હવામાન વિભાગે આગામી 12થી 14 સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનો યલો એલર્ટ જાહેર કર્યો છે.