સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં બપોર પછી અચાનક વાતાવરણ બદલાયું અને ધોધમાર વરસાદ પડ્યો. ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, રાજકોટ, ભાવનગર અને પોરબંદર જિલ્લાના ગામડાં અને શહેરોમાં વરસાદ પડ્યો. લાંબા વિરામ પછી આવેલા વરસાદથી મગફળી, કપાસ અને સોયાબીન જેવા ખરીફ પાકને ફાયદો થવાની આશા છે, જેનાથી ખેડૂતો ખુશ છે.
અમરેલી જિલ્લામાં બપોર પછી અનરાધાર વરસાદ પડ્યો. બાબરા તાલુકાના બળેલ પીપરીયા ગામમાં માત્ર 1 કલાકમાં 5 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો, જેનાથી ગામના મુખ્ય રસ્તાઓ પર પાણી વહેવા લાગ્યું અને ગામનું તળાવ ઓવરફ્લો થઈ ગયું. અમરેલી શહેરના બ્રાહ્મણ સોસાયટી, હાઉસિંગ બોર્ડ અને નાગનાથ વિસ્તારમાં પણ ભારે વરસાદ નોંધાયો. સાવરકુંડલા પંથકના ધોબા, પીપરડી અને ભમોદરા ગામોમાં સતત 3 દિવસથી વરસાદ ચાલુ છે. જાફરાબાદના દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદથી મુખ્ય બજારોમાં પાણી ભરાયું, જ્યારે બગસરા અને ધારીના ગ્રામ્ય પંથકોમાં પણ વરસાદથી ખેતરો પાણીથી ભરાઈ ગયાં.
જૂનાગઢ શહેર અને જિલ્લામાં પણ ભારે વરસાદ પડ્યો. જૂનાગઢ શહેરમાં 1.61 ઈંચ વરસાદ પડતાં મધુરમ, વૃંદાવન સોસાયટી, ભવનાથ, આઝાદ ચોક અને સરદાર બાગ જેવા વિસ્તારોમાં પાણી ભરાયું. ઝાંઝરડા તરફ જતા ગરનાળામાં વરસાદી પાણી ભરાતા વાહનવ્યવહાર ખોરવાયો અને એક બોલેરો કાર ફસાઈ ગઈ. ગિરનાર અને દાતાર પર્વત પર ભારે વરસાદથી ગિરનારનાં ઝરણાં વહેતાં થયાં અને દામોદર કુંડ તથા વિલિંગ્ડન ડેમમાં નવું પાણી આવ્યું. કેશોદમાં 1.38 ઈંચ વરસાદ નોંધાયો, જ્યારે માણાવદર, વિસાવદર, માળીયા હાટીના અને વંથલીમાં પણ વીજળીના કડાકા સાથે ભારે વરસાદથી રસ્તાઓ જળમગ્ન થયા.
ભાવનગરના મહુવા શહેરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતાં જનતા પ્લોટ, શાક માર્કેટ, ખારઝાંપા અને ગાર્ડન રોડ જેવા નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણસમું પાણી ભરાયું. શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાતાં નગરપાલિકાની પૂર્વ-ચોમાસુ કામગીરી અંગે સ્થાનિક રહેવાસીઓમાં સવાલ ઉઠ્યા છે. મહુવા તાલુકામાં આ ચોમાસામાં અત્યાર સુધીમાં કુલ 32.56 ઈંચ વરસાદ નોંધાયો છે. પાલીતાણા અને તેની આસપાસના દુધાળા, ઘેટી તથા પાંચપીપળા ગામોમાં પણ સારો વરસાદ પડ્યો. રાજકોટના ગોંડલ શહેરમાં બસ સ્ટેશન, જેલ ચોક અને રેલવે સ્ટેશન રોડ પર વરસાદી પાણી ફરી વળ્યું, જ્યારે પોરબંદરના કુતિયાણા પંથકમાં હાઈવે પર પાણી ભરાતાં વાહનચાલકોને હાલાકી પડી.
ગીર સોમનાથના તાલાલા અને કોડીનારમાં માત્ર 2 કલાકમાં 1 ઈંચ વરસાદ નોંધાયો. વેરાવળ, સુત્રાપાડા અને ઉનામાં પણ અડધાથી એક ઈંચ જેટલો વરસાદ પડ્યો. સતત 3 દિવસથી વરસાદ પડવાથી ચોમાસુ પાકને ફાયદો થવાની આશા છે. જોકે, તાલાલાના વડાળા ગામમાં એક દુઃખદ ઘટના બની. અહીં વીજળી પડતાં 46 વર્ષીય સમા ઇબુભાઈ નામના વ્યક્તિનું મોત થયું, જેનાથી પરિવાર અને ગામમાં શોકની લાગણી ફેલાઈ છે.