સૌરાષ્ટ્રમાં આ વર્ષે ભારે દુષ્કાળની સ્થિતિ છે. જામનગર, દ્વારકા, પોરબંદર અને કચ્છ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. પાણી અને ઘાસચારાની ભારે અછતને કારણે ખેડૂતો માટે પોતાનાં માલઢોરને સાચવવા મુશ્કેલ બન્યું છે. ખેતીમાં પણ કોઈ પાક ન થયો હોવાથી ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે.
આવી પરિસ્થિતિમાં ખેડૂતો પોતાના દીકરા જેવા બળદોને ભારે હૈયે આશ્રમમાં મુકવા મજબૂર બન્યા છે. રાજકોટના કાલાવાડ રોડ પર દેવગામ પાટીયા નજીક આવેલા સદ્ભાવના બળદ આશ્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો પોતાના બળદોને લઈને આવી રહ્યા છે. દુષ્કાળ પહેલાં આ આશ્રમમાં 2,000 જેટલા બળદ હતા, જે હવે વધીને 8,000 સુધી પહોંચી ગયા છે.
એક ખેડૂતે તેમની વ્યથા વ્યક્ત કરતાં જણાવ્યું કે તેમના જિલ્લામાં માણસને પીવા માટે પાણી નથી, તો માલઢોરને કેવી રીતે પાણી પીવડાવવું? ઘાસચારો કે ભૂકો નથી, તો શું ખવડાવવું? છેલ્લા 15 વર્ષથી તેઓ બળદોને સાચવે છે, તેમના સુખ-દુઃખના સાક્ષી રહ્યા છે. આ વર્ષે સ્થિતિ વધુ નબળી છે અને બળદોને નિભાવવા અશક્ય બન્યા છે, તેથી તેમને આશ્રમમાં મુકવા પડે છે. બળદો સાથેનો તેમનો સંબંધ ખેતી પૂરતો સીમિત નથી, તે પરિવારના સભ્ય છે, પરંતુ પાણીની અછતને કારણે તેમને છોડવા પડે છે.
અન્ય એક ખેડૂતે જણાવ્યું કે બળદો સાથે દીકરા કરતાં પણ વિશેષ નાતો છે. આ અબોલ જીવોને છોડતાં જીવ ચાલતો નથી. દીકરો માવતરને છોડીને જાય તો માવતરને કેવું લાગે? એવી જ અસહ્ય વેદના તેમના હૈયામાં થાય છે. બળદ ખેતરમાં રહે કે આશ્રમમાં રહે, તેમાં ઘણો ફરક પડે છે. તેઓ સરકાર પાસે માલઢોર માટે પાણીની વ્યવસ્થા કરવાની માગ કરે છે, જેથી તેમને વહાલસોયા માલઢોરને તરછોડવાની નોબત ન આવે.
આ આશ્રમમાં કેટલાક ખેડૂતો રઝળતા મુકાયેલા બળદોને પણ લઈને આવી રહ્યા છે. એક ખેડૂતે જણાવ્યું કે કોઈએ બે બળદોને રઝળતા મુકી દીધા હતા, તેમની સ્થિતિ દયનીય હતી, તેઓ ઊભા પણ રહી શકતા ન હતા. ફાળો ઉઘરાવીને વાહનની વ્યવસ્થા કરીને તેઓ આ બળદોને આશ્રમમાં મુકવા આવ્યા છે, જેથી તેમને ઘાસચારો અને પાણી મળી રહે.
આશ્રમના સંચાલક વિશાલ માંગુકિયાએ જણાવ્યું કે બળદો પોતાના માલિક વિના આશ્રમમાં રહેવા ખુશ નથી. વાડીમાં તેઓ એકલા રહેતા હોય છે, અહીં ભીડમાં રહેવું પડે છે. અહીં આવેલા બળદો પણ નિરાશ જણાય છે. બળદોનો પણ ખેડૂતો સાથે માબાપ જેવો લાગણીનો નાતો હોય છે. તેઓ બોલી શકતા નથી, એટલે પોતાની લાગણી વ્યક્ત કરી શકતા નથી.
ખેડૂતો જણાવે છે કે બળદ વિનાની તેમની વાડી પણ વાંઝણી લાગે છે. ખેતરમાં બળદ બાંધેલા હોય તો તેમની સાથે બેસવાનું મન થાય, પરંતુ બળદ વિનાનું ખેતર જાણે કરડવા દોડતું હોય એવું લાગે છે. હાલ લાચારીવશ હૈયે પથ્થર મુકીને આવવું પડે છે. બળદને મુકીને જતાં પગ ભારે થઈ જાય છે. ખેડૂતો ઈશ્વર પાસે પ્રાર્થના કરે છે કે જલદી સારી સ્થિતિ આવે અને તેઓ બળદોને પાછા લઈ જઈ શકે.
આશ્રમમાં મુકવા આવેલા મોટા ભાગના ખેડૂતો જામનગર-દ્વારકા જિલ્લાના છે. આશ્રમની શરૂઆત વર્ષ 2021માં થઈ હતી.