સત્ય. સાહસ. સંકલ્પ.

રાજકોટના બળદ આશ્રમમાં 20 દિવસમાં 6000 બળદ: દુષ્કાળથી ખેડૂતો મજબૂર, ભીની આંખે છોડ્યા

રાજકોટના બળદ આશ્રમમાં 20 દિવસમાં 6000 બળદ: દુષ્કાળથી ખેડૂતો મજબૂર, ભીની આંખે છોડ્યા

સૌરાષ્ટ્રમાં દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાતા ખેડૂતો પોતાના આજીવિકાના સાધન સમાન બળદોને છોડવા મજબૂર બન્યા છે. રાજકોટના કાલાવડ રોડ પર દેવગામ નજીક આવેલા સદ્ભાવના બળદ આશ્રમમાં છેલ્લા 20 દિવસમાં 6000થી વધુ બળદો ખેડૂતોએ ભારે હૈયે છોડી દીધા છે. ઘાસચારા અને પાણીની તંગી તથા ભાવવધારાને કારણે ખેડૂતો આ પગલું ભરવા મજબૂર થયા છે.

સૌરાષ્ટ્રમાં હજુ સુધી સત્તાવાર રીતે દુષ્કાળ જાહેર કરવામાં આવ્યો નથી, પરંતુ દુષ્કાળના દારુણ દૃશ્યો સામે આવવા લાગ્યા છે. જામનગર, દ્વારકા, પોરબંદર અને કચ્છ જેવા જિલ્લાઓમાં ખેતીવાડી નિષ્ફળ ગઈ છે, રવિ સીઝન લેવાની કોઈ આશા નથી અને ઘાસચારા તેમજ પાણીનું ગંભીર સંકટ ઊભું થયું છે.

સદ્ભાવના બળદ આશ્રમની શરૂઆત પાંચ વર્ષ પહેલાં 100 બળદો સાથે કરવામાં આવી હતી, જેથી નિરાધાર બળદોને રસ્તા પર રખડતા ન છોડવા પડે કે કતલખાને ન ધકેલાય. સામાન્ય રીતે અહીં કોઈ પણ સમયે મહત્તમ 1500થી 2000 બળદો જ રહેતા હતા. પરંતુ આ વખતે સ્થિતિ અતિ ગંભીર બની છે અને છેલ્લા 20 દિવસમાં જ 6000 બળદોને ખેડૂતોએ આશ્રમમાં મૂકી દીધા છે. દરરોજ બળદો લઈને આવતા આશરે 200 વાહનોની લાંબી લાઈનો લાગે છે અને અનેક ખેડૂતો પોતાના આશરે રૂ. 1,00,000ની કિંમતની બળદની જોડી છોડતી વખતે ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા.

બળદને રોજ સરેરાશ 25 કિલો લીલા ઘાસની જરૂર પડે છે. લીલા ઘાસનો ભાવ પ્રતિ 20 કિલો (મણ)નો રૂ. 60થી વધીને હવે બમણો એટલે કે રૂ. 120થી 130 સુધી પહોંચી ગયો છે. આશ્રમમાં 125 જેટલા કર્મચારીઓ સેવા આપી રહ્યા છે અને અહીં દરરોજ ઘાસચારા પાછળ આશરે રૂ. 12,00,000નો ખર્ચ થાય છે. સંસ્થા દાતાઓ પાસે રોકડ ડોનેશનને બદલે સીધો ઘાસચારો આપવાની અપીલ કરે છે. આ ઉપરાંત, 8000 જેટલા બળદો માટે જમીનના તળમાં પાણી પૂરતું ન હોવાથી રોજ 8થી 10 ટેન્કરો દ્વારા અવેડાં ભરવા પડી રહ્યા છે.

સદ્ભાવના બળદ આશ્રમના વિજયભાઈ ડોબરીયાએ જણાવ્યું કે હાલ કાલાવડ રોડ પર આવેલી 30 એકર જમીન બળદોથી ફૂલ થઈ જતાં નવા બળદો સ્વીકારવાનું થોડા દિવસ મોકૂફ રખાયું છે. પરંતુ ટૂંક સમયમાં જ બીજી 120 વીઘા જમીનની વ્યવસ્થા કરીને નવો બળદ આશ્રમ શરૂ કરવામાં આવશે. વર્તમાન પરિસ્થિતિ જોતાં ઉનાળા સુધીમાં 75,000થી 1,00,000 બળદો આશ્રમે છોડવામાં આવે તેવો અંદાજ છે. સંચાલકોએ સંકલ્પ વ્યક્ત કર્યો છે કે તેઓ એકપણ બળદને રસ્તા પર રખડવા કે કતલખાને ધકેલાવા નહીં દે.

સૌરાષ્ટ્રમાં આજે પણ હજારો બળદો ખેડૂતો સાથે ખભેખભા મિલાવીને અનાજ પકવવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. બળદ દ્વારા થતી ખેતી 100% ઈકો-ફ્રેન્ડલી છે કારણ કે તેમાં કોઈ પણ પ્રકારના ઈંધણનો વપરાશ થતો નથી. આ ઉપરાંત, બળદના છાણમાંથી બનતા ઓર્ગેનિક ખાતરના ઉપયોગથી રાસાયણિક ખાતર અને પેસ્ટીસાઈડ્સનો ખર્ચ પણ ઘણો ઓછો થઈ જાય છે.