સત્ય. સાહસ. સંકલ્પ.

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં મોટો ભૂકંપ: નિરંજન શાહ-જયદેવ શાહની ખુરશી પર ખતરો

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં મોટો ભૂકંપ: નિરંજન શાહ-જયદેવ શાહની ખુરશી પર ખતરો

રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં કથિત ગેરરીતિઓ અને કૌટુંબિક વર્ચસ્વ અંગેની તપાસમાં સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ એમ.આર. શાહે આકરી ભલામણો કરી છે. તેમના રિપોર્ટમાં એપેક્સ કાઉન્સિલ રદ કરીને નવી ચૂંટણી યોજવાની સૂચના આપવામાં આવી છે. આ અહેવાલના પગલે વર્તમાન હોદ્દેદારો નિરંજન શાહ અને જયદેવ શાહની ખુરશી પર મોટો ખતરો ઊભો થયો છે.

રિપોર્ટ અનુસાર, સૌરાષ્ટ્ર ક્રિકેટ કંટ્રોલ બોર્ડમાં લાંબા સમયથી ચાલતા કૌટુંબિક વારસા અને રાજકોટ શહેરના સભ્યોના દબદબાને ખતમ કરવા માટે કડક પગલાં સૂચવવામાં આવ્યા છે. એપેક્સ કાઉન્સિલની સભ્ય સંખ્યા ઘટાડીને નવ કરવા, લાઇફ મેમ્બર્સના મતદાન અધિકારો રદ કરવા તેમજ જિલ્લા ક્રિકેટ એસોસિએશન અને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓને મતાધિકાર આપવાની ભલામણ કરાઈ છે. કૌટુંબિક વારસાના આધારે સભ્યપદ આપવા પર રોક લગાવવાની સાથે, પૂર્વ જજના વડપણ હેઠળ એડમિનિસ્ટ્રેટર કમિટી બનાવીને નવા બંધારણ મુજબ નવી ચૂંટણી યોજવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

આ ઉપરાંત, હિતોના સંઘર્ષના કારણે હાલના ઓડિટરને દૂર કરીને નાણાકીય ગેરરીતિઓ રોકવા માટે સ્વતંત્ર ઓડિટરની નિમણૂક કરવાની અને BCCI તથા લોઢા કમિટીની ભલામણોનો ચુસ્ત અમલ કરવાની પણ સૂચના આપવામાં આવી છે. આ ગંભીર મુદ્દે એબીપી અસ્મિતાએ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પદાધિકારીઓએ આ અંગે કંઈ પણ બોલવાનું ટાળ્યું હતું.

સુપ્રીમ કોર્ટના પૂર્વ જજના આ તપાસ રિપોર્ટ અને કડક ભલામણોના અમલથી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની જૂની વ્યવસ્થામાં આમૂલ પરિવર્તન આવશે. ભવિષ્યમાં ક્રિકેટ સંસ્થાઓમાં પારદર્શિતા વધશે અને સત્તાના વિકેન્દ્રીકરણ સાથે નવા ખેલાડીઓ તથા જિલ્લાના પ્રતિનિધિઓને સમાન તકો મળવાનો માર્ગ મોકળો થશે.