સત્ય. સાહસ. સંકલ્પ.

રાજકોટમાં રણજી ટ્રોફી: સૌરાષ્ટ્ર-છત્તીસગઢ મેચ ડ્રો, પ્રથમ ઇનિંગની લીડથી સૌરાષ્ટ્રને 3 પોઇન્ટ

રાજકોટમાં રણજી ટ્રોફી: સૌરાષ્ટ્ર-છત્તીસગઢ મેચ ડ્રો, પ્રથમ ઇનિંગની લીડથી સૌરાષ્ટ્રને 3 પોઇન્ટ

રણજી ટ્રોફી 2026-27ની શરૂઆત 11 ઓક્ટોબર 2026થી થઈ છે. રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં સૌરાષ્ટ્ર અને છત્તીસગઢ વચ્ચેની લીગ મેચ રમાઈ હતી. આ મેચ ડ્રો થઈ છે, પરંતુ પ્રથમ ઇનિંગમાં સૌરાષ્ટ્રને લીડ મળી હતી, તેથી સૌરાષ્ટ્રને 3 પોઇન્ટ અને છત્તીસગઢને 1 પોઇન્ટ મળ્યો છે.

સૌરાષ્ટ્રે પ્રથમ ઇનિંગમાં 392 રન બનાવ્યા હતા. પ્રેરક માંકડે 129 રનની ઇનિંગ રમી હતી, જ્યારે રવીન્દ્ર જાડેજાએ 102 રન બનાવ્યા હતા. માંકડ અને જાડેજા વચ્ચે છઠ્ઠી વિકેટ માટે 205 રનની ભાગીદારી થઈ હતી. જાડેજાને ધર્મેન્દ્રસિંહ જાડેજાએ આઉટ કર્યો હતો. ચિરાગ જાનીએ પણ 83 રન બનાવ્યા હતા.

જવાબમાં છત્તીસગઢ 312 રન બનાવીને ઓલઆઉટ થઈ ગયું હતું. રવીન્દ્ર જાડેજાએ 3 વિકેટ ઝડપી હતી. કેપ્ટન જયદેવ ઉનડકટ, ચેતન સાકરિયા અને અંકુર પવારે 2-2 વિકેટ લીધી હતી.

સૌરાષ્ટ્રે બીજી ઇનિંગમાં 67 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 229 રન બનાવી ઇનિંગ ડિકલેર કરી હતી. ચિરાગ જાનીએ 215 બોલમાં 16 ચોગ્ગાની મદદથી અણનમ 127 રન બનાવ્યા હતા. હાર્વિક દેસાઈએ 120 બોલમાં 10 ચોગ્ગા સાથે 68 રન બનાવ્યા હતા. જય ગોહિલે અણનમ 29 રન બનાવ્યા હતા.

રવીન્દ્ર જાડેજાને પ્રથમ ઇનિંગમાં 102 રન અને ત્રણ વિકેટ લેવા બદલ 'પ્લેયર ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવ્યા હતા. જાડેજાએ ફર્સ્ટ ક્લાસ કરિયરની 16મી સદી ફટકારી હતી.