સત્ય. સાહસ. સંકલ્પ.

અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં વરસાદી ઝાપટાં, ધારી-ખાંભામાં ગરમીમાં રાહત

અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં વરસાદી ઝાપટાં, ધારી-ખાંભામાં ગરમીમાં રાહત

ગુજરાતમાં ચોમાસું વિદાય લઈ રહ્યું છે, ત્યારે સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં બુધવારે (30 સપ્ટેમ્બર) ધીમીધારે વરસાદ વરસ્યો હતો. અમરેલીના ધારી ગીર, બગસરા સહિતના વિસ્તારોમાં સારો એવો વરસાદ નોંધાયો હતો.

અમરેલીના ધારી ગીરના ગામોમાં બપોર બાદ વાતાવરણ પલટાતાં વરસાદ વરસ્યો હતો. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ ધારીના અનેક ગામડાંઓમાં વરસાદ થયો હતો. જેમાં ધારી ગીર કાંઠાના ગ્રામ્ય વિસ્તારો ઉપરાંત ધારીના ચલાલા પંથકના ગામડાંઓમાં પણ વરસાદ નોંધાયો હતો.

ચલાલા, ગોપાલગ્રામ, દહીડા, આંબરડી, ધારી ગીરકાંઠાના સરસિયા, ગોવિંદપુર, વીરપુર, ગઢિયા, જીરા હીરાવા સહિતના ગામોમાં વરસાદ ખાબક્યો હતો. સારો એવો વરસાદ પડતાં ધારીના સરસિયા ગામની સ્થાનિક નદીમાં નવા નીર આવ્યા છે.

ધારી બાદ ખાંભા અને બગસરાના ગ્રામ્ય પંથકમાં સમઢીયાળા, લુઘીયા, જાંજરીયા સહિતના વિસ્તારોમાં વરસાદ થતાં ભારે બફારા બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.