હોર્મુઝ અને બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ પર સર્જાયેલા સંકટ વચ્ચે સાઉદી અરેબિયાએ યમનના હૂથી વિદ્રોહીઓ સામે સૈન્ય કાર્યવાહીની તૈયારી શરૂ કરી છે. વૈશ્વિક અહેવાલો અનુસાર, સાઉદી અરેબિયા બે મુખ્ય વિકલ્પો પર વિચાર કરી રહ્યું છે. પ્રથમ વિકલ્પ બાબ-અલ-મંદેબની આસપાસના દરિયાકિનારા વિસ્તારોને હૂથીઓના નિયંત્રણમાંથી મુક્ત કરવાનો છે. બીજો વિકલ્પ યમનમાં અનેક મોરચે એકસાથે સૈન્ય અભિયાન શરૂ કરવાનો છે.
આ અભિયાનમાં સાઉદી અરેબિયા પોતાના સૈનિકોને સીધા જમીની યુદ્ધમાં નહીં મોકલે. તેના બદલે, યમનની એક લાખથી વધુ સૈનિકોની સેનાને મેદાનમાં ઉતારવામાં આવશે અને સાઉદી અરેબિયા તેમને હવાઈ હુમલાઓ દ્વારા સમર્થન પૂરું પાડશે.
આ સમગ્ર ઘટનાક્રમમાં પાકિસ્તાનની ભૂમિકા પણ મહત્ત્વની બની છે. તાજેતરના સંરક્ષણ કરારો બાદ પાકિસ્તાને સાઉદી અરેબિયામાં 30થી 40 હજાર સૈનિકો તૈનાત કર્યા છે. આ સૈનિકો ત્યાંની જમીની સરહદોની સુરક્ષા અને ડ્રોન-મિસાઇલ હુમલાઓને રોકવામાં મદદ કરી રહ્યા છે. આ સાથે પાકિસ્તાને અદન બંદરે એર ડિફેન્સ સિસ્ટમ, નાની તોપો અને ડ્રોન પણ મોકલ્યા છે.
બાબ-અલ-મંદેબ એ ભૂમધ્ય સાગર અને એશિયા વચ્ચેના દરિયાઈ વેપારનો અત્યંત મહત્ત્વપૂર્ણ માર્ગ છે. હોર્મુઝ માર્ગમાં અવરોધ સર્જાયા પછી તેની અગત્યતા વધુ વધી ગઈ છે. સાઉદી અરેબિયાનું માનવું છે કે જ્યાં સુધી આ મહત્ત્વપૂર્ણ દરિયાઈ માર્ગ પર હૂથીઓનું નિયંત્રણ રહેશે, ત્યાં સુધી તેમની સાથે શાંતિ મંત્રણા શરૂ કરવી મુશ્કેલ બનશે. આ સ્થિતિ પર કાબૂ મેળવવા માટે અમેરિકા પણ સાઉદી અરેબિયાને ગુપ્તચર માહિતી અને ટાર્ગેટ સંબંધિત ડેટા પૂરા પાડીને મદદ કરી રહ્યું છે. જોકે, યમનમાં હૂથીઓ સામે લડતા સ્થાનિક ગુટ હજુ સુધી મોટા સૈન્ય અભિયાન માટે સંપૂર્ણપણે એકજુટ કે તૈયાર ન હોવાથી સાઉદી અરેબિયા સામે આ એક મોટો પડકાર પણ છે.