સત્ય. સાહસ. સંકલ્પ.

લાલ સમુદ્રમાં તણાવ: સાઉદી પ્રિન્સના ફોન પર ટ્રમ્પે હૂતીઓ સામે લશ્કરી કાર્યવાહીનો ઈનકાર કર્યો

લાલ સમુદ્રમાં તણાવ: સાઉદી પ્રિન્સના ફોન પર ટ્રમ્પે હૂતીઓ સામે લશ્કરી કાર્યવાહીનો ઈનકાર કર્યો

પશ્ચિમ એશિયામાં તણાવ વધુ ગંભીર બન્યો છે. ઈરાન સમર્થિત હૂતી વિદ્રોહીઓએ યમનના લાલ સમુદ્ર કિનારે આવેલા મોચા શહેર પર કબજો કરી લીધો છે. હવે તેઓ બાબ અલ-મંડેબ જળમાર્ગ પર નિયંત્રણ મેળવવાની તૈયારીમાં છે. આ જળમાર્ગ લાલ સમુદ્રને અદનની ખાડી સાથે જોડે છે અને વૈશ્વિક વેપાર તથા સાઉદી અરેબિયાના તેલ નિકાસ માટે અત્યંત મહત્વનો છે. જો હૂતીઓનું આ જળમાર્ગ પર નિયંત્રણ થશે તો સાઉદી અરેબિયા ઘેરાવામાં આવી શકે છે.

હૂતીઓએ સાઉદી અરેબિયા પર મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા છે, જેનો સાઉદીએ વળતો જવાબ આપ્યો છે. આ સ્થિતિ વચ્ચે સાઉદી અરેબિયાએ અમેરિકા પાસે લશ્કરી મદદ માંગી છે, પરંતુ અમેરિકાએ હૂતીઓ પર સીધો હુમલો કરવાનો ઈનકાર કરી દીધો છે.

અમેરિકી સમાચાર સંસ્થા એક્સિઓસના અહેવાલ મુજબ, સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ફોન કરીને હૂતીઓ સામે લશ્કરી કાર્યવાહી કરવાની વિનંતી કરી હતી. જોકે, અમેરિકી પ્રશાસને આ મામલે સીધો લશ્કરી હસ્તક્ષેપ કરવાનો ઈનકાર કર્યો છે.

લાલ સમુદ્રમાં લડાઈના કારણે મહત્વના દરિયાઈ વેપાર માર્ગો જોખમમાં મુકાવાની ચિંતા વચ્ચે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલના ભાવ ઝડપથી વધીને પ્રતિ બેરલ 116 ડોલરની આસપાસ પહોંચી ગયા છે. ઈરાન પહેલાથી જ હોર્મુઝ જળમાર્ગના શિપિંગમાં અડચણો ઊભી કરી રહ્યું છે. ત્યારે બાબ અલ-મંડેબ પર હૂતીઓનો સંભવિત કબજો અમેરિકા અને ખાડી દેશો પર દબાણ વધારવા માટે મોટું હથિયાર બની શકે છે.

અમેરિકા યમનમાં સીધા લશ્કરી હસ્તક્ષેપથી બચવા માંગે છે, કારણ કે સીધા સૈન્ય સંઘર્ષથી સમગ્ર પશ્ચિમ એશિયામાં મોટું યુદ્ધ ભડકી શકે છે. જોકે, પરિસ્થિતિ પર નજર રાખવા અને વ્યૂહાત્મક તાલમેલ જાળવવા માટે અમેરિકી સેન્ટ્રલ કમાન્ડના વડા એડમિરલ બ્રેડ કૂપર સાઉદી અરેબિયા પહોંચ્યા હતા.

હૂતી વિદ્રોહીઓએ લાલ સમુદ્રમાં સાઉદી તેલના ટેન્કરો અને ઊર્જા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલા તેજ કર્યા બાદ સાઉદી અરેબિયાના વલણમાં મોટો ફેરફાર આવ્યો છે. અગાઉ સાઉદી અરેબિયાએ અમેરિકી લશ્કરી મદદ વિના જ આ ખતરાનો સામનો કરવાની વાત કરી હતી, પરંતુ જમીની પરિસ્થિતિ વણસતાં હવે તેણે સીધી અમેરિકી સૈન્ય કાર્યવાહીની માંગ કરવી પડી છે.