સત્ય. સાહસ. સંકલ્પ.

સાઉદી-પાકિસ્તાન 'મક્કા કરાર' પર સવાલ, અફઘાનિસ્તાન સાથે સાઉદીનો ઊર્જા કરાર

સાઉદી-પાકિસ્તાન 'મક્કા કરાર' પર સવાલ, અફઘાનિસ્તાન સાથે સાઉદીનો ઊર્જા કરાર

સાઉદી અરેબિયા, પાકિસ્તાન અને તુર્કી વચ્ચે 7 ઓગસ્ટે મક્કામાં ત્રિપક્ષીય સંરક્ષણ સમજૂતી થઈ હતી. આ સમજૂતી મુજબ ત્રણેયમાંથી કોઈપણ દેશ પર હુમલો થાય તો તેને ત્રણેય પર હુમલો ગણવામાં આવશે. પરંતુ એક મહિનામાં જ આ કરાર પર સવાલ ઊભા થયા છે.

ઈરાન સમર્થિત હૂથી વિદ્રોહીઓ સાઉદી અરેબિયા પર હુમલા કરી રહ્યા છે. આમ છતાં પાકિસ્તાને હૂથીઓ સામે કાર્યવાહી કરી નથી. ઈરાનને નારાજ ન કરવો પડે તે માટે પાકિસ્તાન ચુપ બેઠું છે. આ સ્થિતિને કારણે કરારની અસરકારકતા પર શંકા ઊભી થઈ છે.

આ વચ્ચે સાઉદી અરેબિયાએ પાકિસ્તાનને એક બાજુ મૂકીને અફઘાનિસ્તાન સાથે સીધો ઊર્જા કરાર કર્યો છે. 7 સપ્ટેમ્બરે અફઘાનિસ્તાનના તાલિબાન સરકારે સાઉદી કંપની 'ડેલ્ટા ઇન્ટરનેશનલ' સાથે કરાર કર્યો. પશ્ચિમી કુશક-તિરપુલ બેસિનમાં ઓઇલ અને ગેસની શોધ માટે 25 વર્ષનો 200 મિલિયન ડોલરનો આ કરાર છે. ભવિષ્યમાં આ રકમ 50થી 60 અબજ ડોલર સુધી પહોંચી શકે છે.

આ કરાર અમેરિકાના પૂર્વ રાજદૂત ઝલમે ખલીલજાદની હાજરીમાં થયો. ખલીલજાદ 2020ના દોહા કરારમાં પણ મહત્વની ભૂમિકા ભજવી ચૂક્યા છે. આ ઘટનાક્રમને કારણે પાકિસ્તાનનો એ દાવો નબળો પડ્યો છે કે અફઘાનિસ્તાને બહારના દેશો સાથે આર્થિક કે રાજદ્વારી સંબંધો ફક્ત ઈસ્લામાબાદ મારફતે જ રાખવા જોઈએ.

અગાઉ સાઉદી અરેબિયાએ પાકિસ્તાનમાં 20 અબજ ડોલરના રોકાણની જાહેરાત કરી હતી, જે અમલમાં આવી શકી નથી. હવે સાઉદીએ સીધું અફઘાનિસ્તાન સાથે વેપાર શરૂ કર્યો છે. આ પગલાથી પાકિસ્તાની સેના અને તેની વૈશ્વિક છબી પર અસર પડી છે.