યમનમાં હૂતી વિદ્રોહીઓ અને સાઉદી સમર્થિત સરકારી સેના વચ્ચેનો સંઘર્ષ ફરી ઉગ્ર બન્યો છે. સાઉદી સમર્થિત સેનાએ હૂતીઓના મિસાઈલ અને ડ્રોન હુમલાના જવાબમાં યમનના ચાર રાજ્યોમાં 32 હવાઈ હુમલા કર્યા હોવાનું કહેવાય છે.
હૂતી પ્રવક્તા નસરુદ્દીન આમેરના જણાવ્યા અનુસાર, આ હુમલા તાઈઝ, હોદેદા, જૌફ અને મરીબ રાજ્યોમાં કરવામાં આવ્યા છે. આ ચારેય રાજ્યો હૂતીઓના નિયંત્રણ હેઠળ છે. આ હુમલામાં થયેલા નુકસાન અંગે તાત્કાલિક કોઈ માહિતી મળી નથી અને સાઉદી અધિકારીઓએ પણ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી.
હવાઈ હુમલા ઉપરાંત, યમનમાં અનેક મોરચે જમીની અથડામણો પણ વધી છે. સરકારી સેનાએ દક્ષિણ મરીબમાં મોટા પાયે સૈન્ય કાર્યવાહી હાથ ધરી હોવાનું કહેવાય છે. અહેવાલો અનુસાર આ દરમિયાન ભારે ગોળીબાર અને તોપમારો થયો હતો અને સરકારી દળોએ કેટલાક વિસ્તારો પર કબજો મેળવ્યો હોવાનો દાવો કર્યો છે.
આ સંઘર્ષથી સમગ્ર પ્રદેશમાં અસ્થિરતા વધવાની ચિંતા છે. બાબ અલ-મંદેબ જળમાર્ગ પાસે થતા દરિયાઈ વેપાર માર્ગ પર તેની અસર પડી શકે છે, જે વૈશ્વિક વેપાર અને ઊર્જા પુરવઠા માટે મહત્વપૂર્ણ છે. હાલ બંને પક્ષો વચ્ચે તણાવ ઓછો થવાના સંકેત નથી.
સંયુક્ત રાષ્ટ્ર અને તુર્કીએ હૂતી હુમલાની નિંદા કરી છે. યમન માટે સંયુક્ત રાષ્ટ્રના વિશેષ દૂત હાન્સ ગ્રુન્ડબર્ગે ચેતવણી આપી છે કે આ હુમલાથી સંઘર્ષ વધુ ઉગ્ર બની શકે છે, સામાન્ય નાગરિકો માટે જોખમ ઊભું થઈ શકે છે અને રાજકીય ઉકેલના પ્રયાસોને નુકસાન થઈ શકે છે.