મધ્ય-પૂર્વમાં સાઉદી અરેબિયા અને યમનના હુથી વિદ્રોહીઓ વચ્ચેનું યુદ્ધ વધુ ગંભીર બન્યું છે. હુથીઓએ સાઉદીના કિંગ ખાલિદ એરપોર્ટ સહિત અન્ય એરપોર્ટ પર મિસાઇલ હુમલા કર્યા છે, જેમાં 13 લોકોના મોત થયા છે. આ ઉપરાંત, રાતા સમુદ્રમાંથી પસાર થતા વૈશ્વિક વેપારી જહાજોને પણ નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ઈરાનના સમર્થનથી હુથીઓ યમનના 30% વિસ્તાર પર નિયંત્રણ ધરાવે છે.
વિશ્વના નકશામાં મધ્ય-પૂર્વ હંમેશાં સંઘર્ષોનું કેન્દ્ર રહ્યું છે. હાલમાં સાઉદી અરેબિયા અને યમનના હુથી વિદ્રોહીઓ વચ્ચેની દુશ્મનાવટ ખતરનાક સ્તરે પહોંચી છે. એક તરફ દુનિયાનું સૌથી મોટું ક્રૂડ ઓઇલ ઉત્પાદક સાઉદી અરેબિયા છે, તો બીજી તરફ પહાડોમાંથી ગેરીલા યુદ્ધ લડવામાં માહેર હુથી લડવૈયા છે. હુથીઓએ માત્ર સાઉદીના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર જ નહીં, પરંતુ રાતા સમુદ્રમાંથી પસાર થતા વૈશ્વિક વેપારી જહાજો પર પણ હુમલા વધારી દીધા છે. આ કારણસર દુનિયાભરના ક્રૂડ ઓઇલ માર્કેટ અને દરિયાઈ વેપારમાં ખળભળાટ મચી ગયો છે.
ચાલો સમજીએ કે આ હુથીઓ આખરે કોણ છે, તેમની પાસે કેટલી તાકાત છે અને તેઓ સાઉદી પર કેમ મિસાઇલો વરસાવી રહ્યા છે.
હુથી એ યમનનું એક રાજકીય, સૈન્ય અને ધાર્મિક સંગઠન છે, જેઓ સત્તાવાર રીતે પોતાને 'અંસાર અલ્લાહ' (ઈશ્વરના રક્ષકો) તરીકે ઓળખાવે છે. 1990ના દાયકામાં ઉત્તર યમનમાં શિયા મુસ્લિમોના 'ઝૈદી' સંપ્રદાયના લોકોએ તેમના અધિકારો માટે ચળવળ શરૂ કરી હતી. તેના સ્થાપક નેતા હુસૈન બદરુદ્દીન હુથી હતા, જેમના નામ પરથી આ જૂથ 'હુથી' તરીકે ઓળખાયું. એક સમયે યમન પર ઝૈદી સંપ્રદાયનું શાસન હતું, પરંતુ પાછળથી તેમને હાંસિયામાં ધકેલીને આર્થિક રીતે બરબાદ કરી દેવાયા. વર્ષ 2011ની 'આરબ સ્પ્રિંગ' ક્રાંતિ દરમિયાન રાષ્ટ્રપતિ અલી અબ્દુલ્લા સાલેહને હટાવાયા, ત્યારે હુથીઓએ તક ઝડપી લીધી. વર્ષ 2014માં હુથીઓએ યમનની રાજધાની સાના પર કબજો કરી લીધો, જેના કારણે આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત યમન સરકારને દક્ષિણના 'એડન' શહેરમાં ભાગવાની ફરજ પડી.
સાઉદી 'સુન્ની' બહુમતી ધરાવતો દેશ છે, જ્યારે ઈરાન 'શિયા' બહુમતી ધરાવે છે. મધ્ય-પૂર્વમાં વર્ચસ્વ સ્થાપવા બંને દેશો વચ્ચે દાયકાઓથી સ્પર્ધા ચાલે છે. હુથીઓ પણ શિયા (ઝૈદી) હોવાથી તેમને ઈરાનનો સીધો ટેકો છે. હુથીઓએ સાના પર કબજો કર્યો, ત્યારે સાઉદી અરેબિયાને ડર લાગ્યો કે તેની સરહદ પર ઈરાનનો પ્રભાવ વધી જશે. હુથીઓને ખતમ કરવા સાઉદીએ 2015થી હવાઈ હુમલા શરૂ કર્યા. પરિણામે યમનમાં ભયાનક ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું અને દુનિયાની સૌથી મોટી માનવીય કટોકટી સર્જાઈ. વર્ષોની લડાઈ છતાં હુથીઓ ઝૂક્યા નહીં. વર્ષ 2022માં સંયુક્ત રાષ્ટ્રો (UN) દ્વારા કરાવાયેલો યુદ્ધવિરામ પણ હવે તૂટી ચૂક્યો છે.
દુર્ગમ પહાડી અને રણ વિસ્તારોમાં છુપાઈને ગેરીલા યુદ્ધ લડતા હુથીઓને હરાવવા અત્યંત મુશ્કેલ છે. તેમની પાસે 1,80,000થી 2,00,000 જેટલા સશસ્ત્ર લડવૈયા છે. તેઓ યમનના 30% વિસ્તાર પર કંટ્રોલ ધરાવે છે, જ્યાં દેશની 70% વસ્તી રહે છે. હુથીઓ પાસે ટેન્ક, અત્યાધુનિક ડ્રોન અને હાઇપરસોનિક મિસાઇલ તેમજ 'તુફાન', 'બુરકાન' તથા 'બદર' જેવી બેલિસ્ટિક મિસાઇલો છે. આ મિસાઇલો 2000 કિ.મી. દૂર આવેલા ઈઝરાયલ સુધી પહોંચવાની ક્ષમતા ધરાવે છે. સાઉદી અને અમેરિકાનો આરોપ છે કે ઈરાન આ તમામ શસ્ત્રો અને આર્થિક ભંડોળ પૂરું પાડે છે. જો કે, હુથીઓનો દાવો છે કે તેઓ પોતાના શસ્ત્રો જાતે બનાવે છે.
યમન 'બાબ અલ-મંદેબ' સામુદ્રધુની પાસે આવેલું છે, જ્યાંથી વિશ્વનો 10થી 12% દરિયાઈ વેપાર થાય છે. હુથીઓના હુમલાઓએ આ માર્ગ પર ખતરો ઊભો કર્યો છે, જેની અસર વૈશ્વિક વેપાર અને ક્રૂડ માર્કેટ પર થઈ રહી છે.