સત્ય. સાહસ. સંકલ્પ.

મક્કા પર ડ્રોન હુમલાનો સાઉદી દાવો: હુથીઓએ કહ્યું 'પાયાવિહોણો', OICએ ટીકા કરી

મક્કા પર ડ્રોન હુમલાનો સાઉદી દાવો: હુથીઓએ કહ્યું 'પાયાવિહોણો', OICએ ટીકા કરી

સાઉદી અરબે દાવો કર્યો છે કે યમનના હુથી જૂથે ઇસ્લામના સૌથી પવિત્ર શહેર મક્કા તરફ એક ડ્રોન છોડ્યું હતું. સાઉદી એર ડિફેન્સે આ ડ્રોનને હવામાં જ તોડી પાડ્યું હોવાનું જણાવાયું છે. બીજી તરફ, હુથી જૂથે આ દાવાને સંપૂર્ણપણે ખોટો ગણાવ્યો છે. આ ઘટના બાદ મુસ્લિમ દેશોના સંગઠન (OIC) એ પણ તેની ટીકા કરી છે.

સાઉદી સંચાલિત ગઠબંધનના પ્રવક્તા તુર્કેઈ અલ-માલિકીએ જણાવ્યું કે, 'રોયલ સાઉદી એર ડિફેન્સ ફોર્સેસ' દ્વારા આ કાર્યવાહી કરાઈ. હુથી મિલિશિયા દ્વારા છોડવામાં આવેલું આ ડ્રોન મક્કા અલ-મુકર્રમાના પ્રતિબંધિત હવાઈ ક્ષેત્રમાં પ્રવેશે તે પહેલાં જ તેને નષ્ટ કરી દેવામાં આવ્યું હતું.

આ ઘટના બાદ મક્કા, જેદ્દાહ અને તાઇફ સહિત સાઉદીના પશ્ચિમી કિનારાના ઘણા શહેરોમાં સુરક્ષા એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. સાઉદી ગઠબંધનના જણાવ્યા અનુસાર, ઇતિહાસમાં પહેલીવાર મક્કામાં હવાઈ હુમલા અંગેનું સાયરન વાગ્યું હતું. ગઠબંધને સ્પષ્ટ કર્યું છે કે ઇસ્લામના પવિત્ર સ્થળો અને શ્રદ્ધાળુઓની સુરક્ષા તેમની 'રેડ લાઇન' છે.

સમાચાર એજન્સી AFPના રિપોર્ટ મુજબ, હુથી અધિકારીઓએ સાઉદી અરબના આ દાવાને પાયાવિહોણો ગણાવ્યો છે. બીજી તરફ, ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશન (OIC) એ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને મક્કા અને મદીના ક્ષેત્રને નિશાન બનાવવાના પ્રયાસોને 'ધૃણાસ્પદ' ગણાવ્યા છે.

મક્કા સમગ્ર વિશ્વના મુસ્લિમો માટે સૌથી પવિત્ર સ્થળ અને વાર્ષિક હજ યાત્રાનું મુખ્ય કેન્દ્ર છે. સાઉદી ગઠબંધનના દાવા અનુસાર, મક્કાને નિશાન બનાવવાનો હુથીઓનો આ બીજો પ્રયાસ છે. આ પહેલાં જુલાઈ 2017માં પણ મક્કા તરફ બેલિસ્ટિક મિસાઈલ છોડવામાં આવી હતી, જેને સાઉદી સેનાએ નિષ્ફળ બનાવી હતી.