મધ્ય પૂર્વમાં સાઉદી અરેબિયા અને યમનના હુથી વિદ્રોહીઓ વચ્ચેનો સંઘર્ષ ફરી ભડક્યો છે. આ ઘટનાની અસર ટૂંક સમયમાં ભારતના વેપાર અને સામાન્ય લોકોના ખિસ્સા પર પણ પડી શકે છે, કારણ કે સાઉદી અરેબિયા વિશ્વમાં બીજા નંબરનું સૌથી મોટું ક્રૂડ ઓઈલ ઉત્પાદક દેશ છે.
સાઉદી અરેબિયા અત્યારે એકસાથે ત્રણ મોરચે લડી રહ્યું છે. એક તરફથી યમનના હુથીઓ હુમલા કરી રહ્યા છે, બીજી તરફ દેશના ઓઈલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર સતત હુમલા થઈ રહ્યા છે, અને ત્રીજી તરફ બાબ અલ-મંદેબ તથા હોર્મુઝ સ્ટ્રેટ પર કાચા તેલની અવરજવર લગભગ ઠપ થઈ ગઈ છે.
આ સંકટ અચાનક ઊભું થયું નથી. હુથીઓ અને સાઉદી વચ્ચેની સીધી અથડામણનો બીજ 2009માં જ પડી ગયો હતો, જ્યારે સાઉદીએ પહેલીવાર જોયું કે યમનની અંદર ચાલતી હુથી બળવાખોરી તેમની સરહદ સુધી પહોંચી શકે છે. 2014માં હુથીઓએ યમનની રાજધાની સનાનો કબજો લીધો અને 2015માં સાઉદી આગેવાની હેઠળના ગઠબંધને તેમની સામે મોટું લશ્કરી અભિયાન શરૂ કર્યું. વર્ષો સુધી આ યુદ્ધ મડાગાંઠમાં રહ્યું, પણ હવે એ જ જૂનો સંઘર્ષ સાઉદીની ઓઈલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સમુદ્રી માર્ગો સુધી પહોંચી ગયો છે.
હુથી વિદ્રોહીઓએ લાલ સમુદ્રના પ્રવેશદ્વાર બાબ અલ-મંદેબ સ્ટ્રેટ પર દબાણ બનાવીને વિશ્વના ઊર્જા પુરવઠાની મુખ્ય નસ દબાવી દીધી છે. એટલું જ નહીં, સાઉદીની અંદર સુધી ડ્રોન અને મિસાઈલોનો વરસાદ કરીને તેમણે આધુનિક એર ડિફેન્સ સિસ્ટમને પણ ખોખલી સાબિત કરી દીધી છે.
સાઉદી અરેબિયાની ઈસ્ટ-વેસ્ટ ઓઈલ પાઈપલાઈનના પમ્પિંગ સ્ટેશન પર 11 સપ્ટેમ્બરે ડ્રોન હુમલો થયો હતો, જેમાં ભારે આગ અને નુકસાન થયું. આ પાઈપલાઈન સાઉદીનું ક્રૂડ ઓઈલ લાલ સમુદ્રના યાનબુ બંદર સુધી પહોંચાડે છે. હુથીઓએ સાઉદીના બંદરો અને દરિયાઈ માર્ગોના કેટલાક મહત્ત્વના મુકામો પર પણ દબાણ બનાવ્યું છે, જેની સાઉદીની સુરક્ષા અને તેલ નિકાસ પર ગંભીર અસર પડી છે.
હુથીઓ આટલા ખતરનાક કેવી રીતે બન્યા? કારણ કે હવે તેઓ માત્ર પહાડોમાં લડતું નાનું બળવાખોર જૂથ નથી. છેલ્લા વર્ષોમાં તેમણે બેલિસ્ટિક મિસાઈલ, ક્રૂઝ મિસાઈલ, ડ્રોન અને જહાજ વિરોધી (એન્ટી-શિપ) હથિયારોની ક્ષમતા વિકસાવી છે. 2023 પછી તેમણે જૂની બેલિસ્ટિક મિસાઈલોને જહાજ વિરોધી હથિયારો તરીકે પણ વાપરી છે. એટલે હુથીઓની સૌથી મોટી તાકાત તેમની સેનાની સંખ્યા નથી, પણ સસ્તા અને અસમાન (એસિમેટ્રિક) હથિયારોથી મોટી લશ્કરી શક્તિને મોંઘું નુકસાન પહોંચાડવાની ક્ષમતા છે.
અહીં એક મહત્ત્વની વાત ધ્યાનમાં આવે છે. સાઉદી અરેબિયાએ પોતાની સુરક્ષા માટે પાકિસ્તાન અને તુર્કી સાથે જે ગઠબંધન કર્યું હતું, જેને મક્કા પેક્ટ અથવા ઈસ્લામિક નાટો કહેવાય છે, તે અહીં નિષ્ફળ સાબિત થયું છે. આ કરાર મુજબ કોઈ એક દેશ પર હુમલો થાય તો બીજા દેશોએ પોતાના પર હુમલો થયો હોય તેમ મદદે પહોંચવાનું હતું. પણ સાઉદી પર હુથીઓના હુમલા થઈ રહ્યા છે ત્યારે પાકિસ્તાન મદદે આવ્યું નથી. ઉલટાનું પાકિસ્તાને કહ્યું કે, 'મક્કા સંરક્ષણ કરારનો અર્થ તાત્કાલિક યમનમાં લશ્કરી હસ્તક્ષેપ તરીકે ન કરવો જોઈએ.'
આ મામલે સાઉદી અરેબિયાએ અમેરિકાની મદદ માગી છે. સાઉદી અને અમેરિકા વચ્ચે સાત દાયકા પહેલા એક કરાર થયો હતો, જે મુજબ સાઉદી અરેબિયા પોતાનું ક્રૂડ તેલ ડોલરમાં વેચે અને બદલામાં અમેરિકા તેની સુરક્ષા કરે. આને ધ્યાનમાં રાખીને સાઉદીના યુવરાજ મોહમ્મદ બિન સલમાને ડોનાલ્ડ ટ્રમ્પને સીધો ફોન કરીને મદદ માગી હતી.