સત્ય. સાહસ. સંકલ્પ.

હૂથી હુમલાઓ બાદ મક્કામાં ઈમરજન્સી એલર્ટ, નાગરિકોને સાવચેત રહેવાની સૂચના

હૂથી હુમલાઓ બાદ મક્કામાં ઈમરજન્સી એલર્ટ, નાગરિકોને સાવચેત રહેવાની સૂચના

યમન સ્થિત હૂથી વિદ્રોહીઓ દ્વારા સાઉદી અરેબિયા પર મિસાઈલ અને ડ્રોન હુમલાની નવી લહેર બાદ સાઉદી પ્રશાસને પવિત્ર શહેર મક્કા માટે ઈમરજન્સી એલર્ટ જાહેર કર્યું છે. સાઉદી સરકારે લોકોને સાવચેત રહેવા અને સુરક્ષા માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવા તાકીદ કરી છે.

સાઉદી પ્રશાસને જારી કરેલી સૂચનામાં કહ્યું છે કે લોકોએ તાત્કાલિક સુરક્ષિત સ્થળે જવું, ઘરની અંદર રહેવું અને બારીઓથી દૂર રહેવું. ખુલ્લી જગ્યાઓ, કાચ, બાલ્કની અને છતથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. જો કોઈ વ્યક્તિ બહાર હોય તો નજીકની મજબૂત ઈમારતમાં આશરો લેવા અથવા મજબૂત વસ્તુની આડશમાં સુરક્ષિત રહેવા અપીલ કરવામાં આવી છે. વાહનમાં હોય તેવા લોકોને પુલ અને ઊંચી ઈમારતોથી દૂર રહીને રસ્તાની બાજુએ વાહન રોકી દેવા જણાવાયું છે.

સાઉદી કેબિનેટે હૂથી હુમલાઓની આકરી નિંદા કરી છે. કેબિનેટે સ્પષ્ટ કર્યું છે કે સાઉદી અરેબિયાની સુરક્ષા, તેના વિસ્તારની રક્ષા અને રાષ્ટ્રીય ક્ષમતાઓ સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં. કેબિનેટે પોતાની સાર્વભૌમત્વ, નાગરિકો, રહેવાસીઓ અને મહત્વપૂર્ણ હિતોની રક્ષા કરવાનો સાઉદી અરેબિયાનો અધિકાર ફરીથી સ્પષ્ટ કર્યો છે. સાઉદી સરકારે કહ્યું છે કે આ અધિકારનો ઉપયોગ સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર અને આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર કરવામાં આવી રહ્યો છે.

યમનના અધિકારીઓના જણાવ્યા અનુસાર ઈરાન સમર્થિત હૂથી સેનાએ સાઉદી અરેબિયા પર મિસાઈલ અને ડ્રોન હુમલાની નવી લહેર શરૂ કરી છે. હૂથી જૂથે દાવો કર્યો છે કે તેમણે ખમીસ મુશૈતમાં એક મિલિટરી એરબેઝને નિશાન બનાવી એરક્રાફ્ટ હેંગર, રડાર સિસ્ટમ, રનવે અને દારૂગોળાના ડેપો પર હુમલો કર્યો છે. સાઉદીના નેતૃત્વ હેઠળના ગઠબંધનના જણાવ્યા મુજબ આ હુમલાઓમાં 13 સામાન્ય નાગરિકો ઘાયલ થયા છે. આ દરમિયાન સાઉદી અરેબિયાના દક્ષિણના અનેક શહેરોમાં ઈમરજન્સી એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત, હૂથી જૂથે લાલ સમુદ્રના પ્રવેશદ્વાર નજીક આવેલા પેરિમ ટાપુ તેમજ ગ્રેટર અને લેસર હનીશ ટાપુઓ પર કબજો જમાવી લીધો છે. આ ઘટનાથી લાલ સમુદ્રમાંથી પસાર થતા સાઉદી શિપિંગ રૂટ માટે ખતરો વધ્યો છે. ગ્રેટર અને લેસર હનીશ ટાપુઓ બાબ અલ-મંદેબ જળડમરૂમધ્યથી લગભગ 160 કિલોમીટર ઉત્તરે આવેલા છે. બાબ અલ-મંદેબ લાલ સમુદ્ર અને એડનના અખાતને જોડતો મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ છે. હૂથી વિદ્રોહીઓ આગળ વધતાં હોર્ન ઓફ આફ્રિકાના દેશ જીબુતીમાં આવેલા અમેરિકન સૈન્ય મથકથી તેઓ માત્ર 32 કિલોમીટર દૂર પહોંચી ગયા હોવાના અહેવાલ છે. દરમિયાન, ગલ્ફના આરબ દેશોએ હોર્મુઝ સ્ટ્રેટ ફરી ખોલવા માટે ઈરાન સાથેની વાટાઘાટો મુલતવી રાખી છે. તેના કારણે પ્રાદેશિક સ્થિરતા અને વૈશ્વિક તેલ પુરવઠાને લઈને ચિંતા વધી છે.