સાઉદી અરેબિયાએ મક્કા નજીક યમનના હૂથી વિદ્રોહીઓ તરફથી છોડવામાં આવેલા શંકાસ્પદ ડ્રોનને હવામાં જ તોડી પાડ્યા બાદ પશ્ચિમ એશિયામાં તણાવ વધી ગયો છે. સાઉદી સૈન્ય પ્રવક્તા તુર્કી અલ-મલિકીએ જણાવ્યું કે, મંગળવારે સાંજે લગભગ 6:50 વાગ્યે ડ્રોનને ટ્રેક કરીને નષ્ટ કરવામાં આવ્યું અને તેનો કાટમાળ શહેરની દક્ષિણમાં પડ્યો હતો.
સાઉદી અધિકારીઓએ સ્પષ્ટ કર્યું કે, બંને પવિત્ર મસ્જિદો અને યાત્રાળુઓની સુરક્ષા સાઉદી અરેબિયા માટે 'રેડ લાઇન' છે અને તેની સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ સહન નહીં કરવામાં આવે. જોકે, હૂથી જૂથે મક્કા પર કોઈ પણ ડ્રોન મોકલવાના દાવાને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે.
આ ઘટનાને પગલે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે પ્રતિક્રિયા આપી છે. તેમણે મક્કાના પવિત્ર સ્થળને નિશાન બનાવવાના કથિત પ્રયાસની કડક શબ્દોમાં નિંદા કરી હતી. શરીફે કહ્યું કે, 'આ મામલે પાકિસ્તાન સાઉદી અરેબિયા સાથે સંપૂર્ણ મજબૂતીથી ઊભું છે. મક્કા પર કથિત ડ્રોન હુમલાના સમાચારથી સમગ્ર પાકિસ્તાનના લોકો અત્યંત દુઃખી અને પરેશાન છે.' તેમણે પવિત્ર સ્થળની રક્ષા માટે ઝડપી કાર્યવાહી કરવા બદલ સાઉદી અરેબિયાની રોયલ આર્મ્ડ ફોર્સીસની પ્રશંસા પણ કરી હતી.
શાહબાઝ શરીફે વધુમાં જણાવ્યું કે, 'પાકિસ્તાન સાઉદી અરેબિયાની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાની રક્ષા કરવા માટે કટિબદ્ધ છે. આ સાથે જ હરમૈન શરીફૈન એટલે કે મક્કાની મસ્જિદ અલ-હરમ (કાબા) અને મદીનાની મસ્જિદ-એ-નબવી જેવી પવિત્ર મસ્જિદોની સુરક્ષા અને પવિત્રતા જાળવી રાખવા માટે પાકિસ્તાન સાઉદી અરેબિયા સાથે ખભેથી ખભો મિલાવીને ઊભું છે.'
તેમણે તમામ પક્ષોને તણાવ આગળ ન વધારવા અને સંયમ રાખવાની અપીલ કરી હતી. શરીફે કહ્યું કે, 'સંઘર્ષ ટાળવા માટે તમામ પક્ષોએ શક્ય તેટલો વધુ સંયમ રાખવો જોઈએ અને સ્થિતિ વણસતી અટકાવવા માટે પાછા હટવું જોઈએ. આ વિસ્તાર પહેલેથી જ ઘણા સંઘર્ષોનો સામનો કરી ચૂક્યો છે, તેથી કાયમી શાંતિ સ્થાપવા માટે માત્ર વાતચીત અને રાજદ્વારી કૂટનીતિ જ એકમાત્ર યોગ્ય માર્ગ છે.'