સાઉદી અરેબિયાના પૂર્વીય પ્રાંતમાં આવેલા દમ્મામ સ્થિત કિંગ ફહદ ઈન્ટરનેશનલ એરપોર્ટ અને અરામકો ઓઈલ ફિલ્ડ પર બુધવારે મોડી રાત્રે ડ્રોન હુમલા થયા છે. એરપોર્ટ પરના હુમલામાં એક સાઉદી નાગરિકનું મૃત્યુ થયું છે અને આઠ લોકો ઘાયલ થયા છે. સાઉદી સિવિલ એવિએશન ઓથોરિટીએ ગુરુવારે સવારે આ હુમલાની પુષ્ટિ કરી હતી અને જણાવ્યું હતું કે એરપોર્ટના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પણ નુકસાન પહોંચ્યું છે.
એરપોર્ટ પરના હુમલાના થોડા સમય પહેલાં જ દક્ષિણ-પૂર્વીય સાઉદી અરેબિયામાં અરામકો દ્વારા સંચાલિત શાયબહ ઓઈલ ફિલ્ડ પર એક ડ્રોનનો કાટમાળ પડ્યો હતો. આ ઘટનામાં એક કોન્ટ્રાક્ટરના વાહનમાં આગ લાગી જતાં તેમાં સવાર બે લોકોના મોત થયા હતા. મૃતકોમાં એક નેપાળી અને એક ફિલિપિનો નાગરિકનો સમાવેશ થાય છે. ઘાયલોમાં ભારતીય અને પાકિસ્તાની નાગરિકો પણ છે.
ગ્લોબલ ફ્લાઈટ ટ્રેકિંગ સર્વિસ ફ્લાઈટરડાર24એ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે હુમલા બાદ મુસાફરોની સુરક્ષા માટે ઘણી આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ફ્લાઈટ્સને ડાયવર્ટ કરવામાં આવી હતી. આ વિસ્તાર અગાઉ પણ હૂથી બળવાખોરોના મિસાઈલ અને ડ્રોન હુમલાઓનું નિશાન બની ચૂક્યો છે. જોકે નવા હુમલા અંગે હૂથી જૂથે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. સાઉદી ગઠબંધને જણાવ્યું છે કે તેમણે પૂર્વીય ક્ષેત્રમાં ચાર ડ્રોન હુમલાઓને ઈન્ટરસેપ્ટ કર્યા હતા.
આ પહેલાં ગયા મહિને પણ હવામાં તોડી પાડવામાં આવેલા હૂથી ડ્રોનના કાટમાળ પડવાથી સાઉદીમાં રહેતા એક યમની નાગરિકનું મૃત્યુ થયું હતું. આ મહિનાની શરૂઆતમાં પણ પૂર્વીય પ્રાંતમાં હુમલા બાદ અરામકોની એક વહીવટી ઈમારતમાં મર્યાદિત સ્તરે આગ લાગી હતી. તેલ ઉદ્યોગ અને હવે સિવિલિયન એરપોર્ટ્સ પર સતત થઈ રહેલા આ હુમલાઓ વૈશ્વિક ક્રૂડ ઓઈલ સપ્લાય અને પેસેન્જર સુરક્ષા બંને માટે પડકારરૂપ બન્યા છે.
આ બધાની વચ્ચે અમેરિકાના વિદેશ વિભાગે સાઉદી અરેબિયામાં તૈનાત પોતાના બિન-ઈમરજન્સી સરકારી કર્મચારીઓ અને તેમના પરિવારજનોને તાત્કાલિક અમેરિકા પરત ફરવાનો આદેશ આપ્યો છે. વિદેશ વિભાગે ચેતવણી આપી છે કે હુમલાઓનું આ ક્ષેત્ર હવે સાઉદીની સરહદોથી આગળ સુધી અસર કરી શકે છે.