સાઉદી અરબે યમનની રાજધાની સના નજીક હુથી વિદ્રોહીઓના નિયંત્રણ હેઠળના વિસ્તારોમાં ભારે હવાઈ હુમલા કર્યા છે. હુથી સંચાલિત 'સબા' ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ, અલ-શરિયા વિસ્તારમાં થયેલા આ હુમલામાં ઓછામાં ઓછા 33 લોકોનાં મોત નીપજ્યાં છે અને 39 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
રિયાધ એરપોર્ટ પર થયેલા હુમલાના થોડા કલાકો બાદ જ સાઉદી સેનાએ આ જવાબી કાર્યવાહી કરી હતી. છેલ્લા કેટલાક મહિનામાં બંને પક્ષો વચ્ચે ચાલી રહેલી લડાઈમાં આ સૌથી મોટા હુમલાઓમાંનો એક ગણવામાં આવે છે.
હુમલા બાદ કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. જોકે હુથીઓએ આરોપ લગાવ્યો છે કે સાઉદી લશ્કરી વિમાનોએ બે વાર હુમલો કરીને બચાવ કામગીરીમાં જોડાયેલા કર્મચારીઓને પણ નિશાન બનાવ્યા હતા. આ આરોપને સ્વતંત્ર રીતે ચકાસી શકાય નથી.
આ પહેલાં તાઈઝ પ્રાંતના એક બજારમાં થયેલા હુમલામાં 30 લોકોનાં મોત થયાં હતાં. લાંબા યુદ્ધવિરામ બાદ આ વર્ષે જુલાઈમાં સાઉદી અરબ અને યમનના હુથીઓ વચ્ચે ફરી સશસ્ત્ર સંઘર્ષ શરૂ થયો હતો, જેનાથી મધ્ય પૂર્વમાં તણાવ વધ્યો છે.
બીજી તરફ હુથી સમૂહે સાઉદી અરબની અંદરના તેલ માળખાં, એરપોર્ટ અને લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવીને બેલિસ્ટિક મિસાઇલ, ક્રૂઝ મિસાઇલ અને ડ્રોનથી છ મોટા હુમલા કરવાની જવાબદારી સ્વીકારી છે. હુથી પ્રવક્તા યાહ્યા સારીએ જણાવ્યું કે આ કાર્યવાહી તાઈઝ અને બની હશિશમાં થયેલા હુમલાના બદલારૂપે કરવામાં આવી છે, જેમાં મોટા ભાગના મૃતકો મહિલાઓ અને બાળકો હતા.
બંને પક્ષો વચ્ચેનો આ સંઘર્ષ મધ્ય પૂર્વની શાંતિ માટે મોટો પડકાર બન્યો છે. આંતરરાષ્ટ્રીય સમુદાય સામે હિંસા ઘટાડવા અને સામાન્ય નાગરિકોની સુરક્ષા માટે પગલાં લેવાની માંગ વધી રહી છે.