યમનના હૂથી બળવાખોરો સાથે વધતા તણાવ વચ્ચે સાઉદી અરેબિયાની મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ પર દબાણ વધી રહ્યું છે. આ સ્થિતિને પહોંચી વળવા માટે સાઉદીએ ફ્રાન્સ, બ્રિટન, પાકિસ્તાન અને ઇજિપ્ત પાસે એર ડિફેન્સ સહાય માંગી છે.
બે પ્રાદેશિક અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે, સાઉદી અરેબિયા હૂથી બળવાખોરો અને ઈરાન સમર્થિત અન્ય સમૂહો દ્વારા છોડવામાં આવતા મિસાઈલ અને ડ્રોન હુમલાઓ સામે બચાવ માટે પોતાના સહયોગીઓ પાસે મદદ માંગી રહ્યું છે. બીજી તરફ, સાઉદીનો મુખ્ય સહયોગી અને હથિયાર સપ્લાયર અમેરિકા પોતે ઈરાન સાથેના છ મહિનાના યુદ્ધને કારણે ઇન્ટરસેપ્ટર મિસાઈલોની અછતનો સામનો કરી રહ્યું છે.
એ જ દિવસે હૂથી બળવાખોરોએ દાવો કર્યો કે તેમણે મારીબ પ્રાંતમાં સાઉદીનું F-15 ફાઇટર જેટ તોડી પાડ્યું છે. હૂથી પ્રવક્તા યાહ્યા સારીએ જણાવ્યું કે તેમણે સ્થાનિક સ્તરે બનાવેલી એર-ટુ-એર મિસાઈલથી આ જેટને નિશાન બનાવ્યું હતું. હૂથીઓએ આ ઘટનાનો ચાર મિનિટનો વીડિયો પણ બહાર પાડ્યો છે, જેમાં જેટને નિશાન બનાવ્યા બાદ તેના મલબામાં આગ લાગવાના અને ધુમાડો નીકળવાના દ્રશ્યો જોવા મળે છે. મલબાની આસપાસ હથિયારધારી લડાયકો પણ દેખાય છે. જોકે, સાઉદી નેતૃત્વવાળા ગઠબંધને આ દાવા પર તરત કોઈ પ્રતિક્રિયા આપી નથી.
બુધવારે જ સાઉદી અરેબિયાએ આરોપ લગાવ્યો હતો કે હૂથીઓએ ઇસ્લામના પવિત્ર શહેર મક્કા પર ડ્રોન હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જેને રોયલ સાઉદી એર ડિફેન્સે હવામાં જ ઇન્ટરસેપ્ટ કરી નષ્ટ કરી દીધો હતો. સાઉદીએ મક્કાને 'રેડ લાઇન' ગણાવ્યું છે, જ્યારે હૂથીઓએ આ આરોપને નકારી કાઢ્યો છે અને તેને જૂઠો ગણાવ્યો છે.
આ સંઘર્ષ ઈરાન યુદ્ધને કારણે એક નવો મોરચો બની ગયો છે. હૂથીઓ લાલ સમુદ્રમાં જહાજો અને સાઉદીના મહત્ત્વપૂર્ણ માળખા પર સતત હુમલા કરી રહ્યા છે. આ પ્રકારના હુમલાના કારણે સાઉદીની એક મહત્ત્વપૂર્ણ પાઇપલાઇન પણ બંધ હાલતમાં છે, જેના પરિણામે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલની કિંમતો 100 ડોલર પ્રતિ બેરલ કરતા ઉપર જ બનેલી છે.