નવી દિલ્હી, 7 સપ્ટેમ્બર: દિલ્હીના સત્ય નિકેતન વિસ્તારમાં પાંચ માળની PG ઇમારત ધરાશાયી થવાની ઘટનામાં 7 વિદ્યાર્થીઓના મોત થયા છે. આ મામલે દિલ્હી હાઈકોર્ટે મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) સહિત તંત્રની કડક ઝાટકણી કાઢી છે. કોર્ટે કહ્યું છે કે આ ઘટના માટે માત્ર બિલ્ડિંગ માલિક જ નહીં, પરંતુ નિયમોનું પાલન કરાવવામાં નિષ્ફળ રહેલું MCD પણ એટલું જ જવાબદાર છે.
દિલ્હી હાઈકોર્ટમાં દાખલ પીઆઈએલની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસની બેંચે દિલ્હી સરકાર, કેન્દ્ર સરકાર, MCD, દિલ્હી પોલીસ, દિલ્હી યુનિવર્સિટી અને નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશનને નોટિસ પાઠવી છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટમાં જણાવ્યું કે તેઓ આ તમામ સંસ્થાઓ તરફથી હાજર રહેશે. કોર્ટે આ ઘટનાને અત્યંત દર્દનાક અને કમનસીબ ગણાવી હતી.
કોર્ટે અવલોકન કર્યું કે દિલ્હી યુનિવર્સિટી પાસે બહારના રાજ્યોમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે પૂરતી હોસ્ટેલ સુવિધા નથી, જેના કારણે તેઓને નાછૂટકે અસુરક્ષિત ખાનગી PGમાં રહેવું પડે છે. હાઈકોર્ટે MCDને સમગ્ર દિલ્હીમાં ચાલતી PG હોસ્ટેલોનું તાત્કાલિક ઓડિટ કરવાનો આદેશ આપ્યો છે, અને દિલ્હી યુનિવર્સિટીને પણ વિદ્યાર્થીઓની સંખ્યા અને ઉપલબ્ધ હોસ્ટેલોનો ડેટા રજૂ કરવા કહ્યું છે.
આ અકસ્માત બાદ પોલીસે બિલ્ડિંગ માલિક હરિરામ બંસલની રાજસ્થાનના ભિવાડી ખાતેથી ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મંજૂરી બે માળની હતી, પરંતુ ઇમારત પાંચ માળની બનાવવામાં આવી હતી. વહીવટી લાપરવાહીના ભાગરૂપે MCDએ સાઉથ ઝોનના ડેપ્યુટી કમિશનર રાકેશ કુમાર સહિત કુલ પાંચ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. કોર્ટે આ કેસની આગામી સુનાવણી 26 સપ્ટેમ્બરે રાખી છે.