નેશનલ હાઈવે પર મુસાફરી કરતા લોકો માટે એક મોટા રાહતના સમાચાર છે. કેન્દ્ર સરકાર દેશના કેટલાક રાષ્ટ્રીય ધોરીમાર્ગો પરથી ટોલ પ્લાઝા દૂર કરવાની યોજના પર કામ કરી રહી છે. આ યોજના હેઠળ ટોલ ચૂકવવા માટે વાહનને નાકા પર ઊભું રાખવાની જરૂર નહીં પડે.
સરકારનું લક્ષ્ય વર્ષ 2028-29 સુધીમાં પસંદગીના નેશનલ હાઈવે પર સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ શરૂ કરવાનું છે. હાલમાં દેશભરમાં ટોલ વસૂલાત માટે FASTagનો ઉપયોગ થાય છે. નવી ટેકનોલોજી લાગુ થયા પછી ટોલ ચૂકવવાની પદ્ધતિ બદલાઈ જશે.
આ સિસ્ટમ ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ (GNSS) અથવા GPS ટેકનોલોજી પર આધારિત હશે. સેટેલાઇટ દ્વારા વાહનનું સ્થાન અને હાઈવે પર કાપેલું અંતર સતત ટ્રેક કરવામાં આવશે. વાહનચાલકે ટોલ પ્લાઝા પર બ્રેક મારવી નહીં પડે. જેટલા કિલોમીટર મુસાફરી કરશે, તેના આધારે ટોલ વસૂલાશે.
આ સિસ્ટમ માટે વાહનોમાં ખાસ ઉપકરણ લગાવવાની જરૂર પડી શકે છે. સરકારની યોજના મુજબ, આ સિસ્ટમને હાલની FASTag અને મલ્ટી-લેન ફ્રી ફ્લો (MLFF) સિસ્ટમ સાથે જોડીને અમલમાં મૂકાશે.
રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય (MoRTH)એ આ પ્રોજેક્ટ માટે વિશ્વસનીય સિસ્ટમ વિકસાવવાની જવાબદારી લીધી છે. મંત્રાલયે IIT કાનપુર ખાતે સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના કરવાની જવાબદારી સોંપી છે. સંશોધન અને વિકાસ માટેનું ભંડોળ મંત્રાલય દ્વારા પૂરું પાડવામાં આવશે. આ સેન્ટર સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન ટેકનોલોજી પર સંશોધન કરશે અને ભારતીય રસ્તાઓ, ટ્રાફિક અને ભૌગોલિક જરૂરિયાતોને અનુરૂપ સ્વદેશી સિસ્ટમ વિકસાવશે.
આ સિસ્ટમના ફાયદા એ છે કે ટોલ ચૂકવવા માટે વાહન રોકવું નહીં પડે, જેથી સમય અને ઇંધણની બચત થશે. ટોલ પ્લાઝા પરની લાંબી લાઇનો ઘટશે. વાહનચાલકોએ માત્ર મુસાફરી કરેલા અંતર મુજબ ફી ચૂકવવી પડશે. ટોલ પ્લાઝાના બાંધકામ અને નિભાવ ખર્ચમાં પણ ઘટાડો થશે.