દિવાળીના તહેવારોમાં સાસણ ગીર ફરવા જવાનું આયોજન કરી રહેલા પ્રવાસીઓ માટે એક સારા સમાચાર છે. સાસણ વાઇલ્ડલાઇફ સેન્સ્યુરીમાં જંગલ સફારી 9 ઓક્ટોબરથી ખુલ્લી મૂકવામાં આવશે.
સામાન્ય રીતે સાસણ સફારી 16 ઓક્ટોબરથી શરૂ થાય છે, પરંતુ આ વખતે છ દિવસ વહેલી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચોમાસા દરમિયાન ચાર મહિના સફારી બંધ રહે છે. આ સમયગાળામાં સિંહોનો સંવનનકાળ હોય છે, તેથી તેમને ખલેલ ન પહોંચે તે માટે સફારી બંધ રાખવામાં આવે છે.
દર વર્ષે દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ સાસણ ગીરની મુલાકાત લે છે. બોલિવૂડ સેલિબ્રિટીથી લઈને રાજકીય નેતાઓ પણ અહીં સિંહ દર્શન માટે આવતા હોય છે.
ગીર નેશનલ પાર્ક સોમનાથથી 43 કિલોમીટર અને જૂનાગઢથી 60 કિલોમીટરના અંતરે આવેલો છે. એશિયાઈ સિંહોનું આ એકમાત્ર રહેઠાણ છે અને એશિયાના મહત્ત્વના રક્ષિત વિસ્તારોમાં તેની ગણના થાય છે. સાસણ ગીર તરીકે પણ ઓળખાતા આ પાર્કમાં સિંહો ઉપરાંત 300 જેટલી પ્રજાતિના પ્રાણી અને પક્ષીઓ આશ્રય લે છે.