ગીર જંગલ વિસ્તારમાં એશિયાટિક સિંહોને નજીકથી જોવા માટે સાસણ અને દેવાળિયામાં આજે 9 ઓક્ટોબરથી જંગલ સફારીની શરૂઆત થઈ છે. દર વર્ષે ચોમાસાના વિરામ બાદ 16 ઓક્ટોબરથી શરૂ થતી જંગલ સફારી આ વર્ષે એક સપ્તાહ વહેલી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સિંહ દર્શનના બે સ્થળો: સાસણ સફારી પાર્ક અને દેવળિયા સફારી પાર્ક
સાસણ સફારી પાર્ક ગીર નેશનલ પાર્કનો મુખ્ય અભયારણ્ય વિસ્તાર છે, જ્યાં ખુલ્લી જીપ દ્વારા ઊંડા જંગલમાં સફારી કરાવવામાં આવે છે. અહીં કુદરતી અને પ્રાકૃતિક વાતાવરણમાં સિંહોને મુક્તપણે વિચરતા જોવાનો અનુભવ મળે છે. આ સફારી માટે ગુજરાત વન વિભાગની સત્તાવાર વેબસાઇટ પરથી અગાઉથી ઓનલાઇન પરમિટ લેવી ફરજિયાત છે.
દેવળિયા સફારી પાર્ક સાસણથી લગભગ 12 કિમી દૂર આવેલો એક ખાસ સુરક્ષિત વિસ્તાર છે. અહીં નાના ક્ષેત્રમાં સિંહો રાખવામાં આવેલા હોવાથી ખૂબ જ ઓછા સમયમાં સિંહ દર્શન થાય છે. દેવળિયામાં મિની બસ તેમજ જીપ સફારી બંનેના વિકલ્પો ઉપલબ્ધ છે, જે ખાસ કરીને પરિવાર અને બાળકો સાથે આવતા પ્રવાસીઓ માટે ઉત્તમ ગણાય છે.
આ બંને જગ્યાએ પ્રવાસીઓ પરિવાર સાથે વનવિભાગના વાહનમાં સિંહોને પોતાનીથી અમુક જ અંતરે નિહાળી શકે છે અને ફોન-કેમેરામાં ફોટો-વિડિયો પણ લઈ શકે છે. બંને સફારી પાર્કમાં ફોટોગ્રાફી-વિડિયોગ્રાફી પર કોઈ પ્રતિબંધ નથી. આ ચાલુ સિઝનમાં સવારે 6:30થી 9:30 અને બપોરે 3:00થી સાંજે 6:00 સુધી સિંહ દર્શનનો સમય નક્કી કરવામાં આવેલો છે.
વન વિભાગે પ્રવાસીઓને સત્તાવાર વેબસાઇટ પરથી જ બુકિંગ કરવા અપીલ કરી છે. સાસણ વન્યપ્રાણી વિભાગના DCF અગ્નેશ્વરકુમાર વ્યાસે જણાવ્યું હતું કે પ્રવાસીઓએ વન વિભાગની સત્તાવાર વેબસાઇટ https://girlion.gujarat.gov.in/ પરથી જ સફારીની પરમિટ બુક કરાવવી.
સાસણ અને દેવળિયા સફારી પાર્ક કેવી રીતે પહોંચવું?
સાસણ સફારી પાર્ક અને દેવળિયા સફારી પાર્ક સુધી રોડ માર્ગે સરળતાથી પહોંચી શકાય છે. પ્રવાસીઓ ખાનગી વાહન, સરકારી વાહનો અને ટ્રેન મારફતે પહોંચી શકે છે. નેશનલ હાઇવે-48 પર જેતપુર અને સોમનાથથી મેંદરડા થઈ સાસણ પહોંચી શકાય છે, જ્યારે નેશનલ હાઈવે-51 સોમનાથ-ભાવનગર પર વાયા તાલાલા થઈ સાસણ પહોંચી શકાય છે. નજીકના બસ સ્ટેશન તાલાલા, મેંદરડા અને વિસાવદર છે, જ્યાંથી સરકારી અને ખાનગી વાહનો મળી રહે છે.
નજીકનું રેલવે સ્ટેશન સાસણ ગીર (SASG) છે, જે જુનાગઢ અને વેરાવળ રેલવે સ્ટેશન સાથે સારી રીતે જોડાયેલું છે. આ રેલવે સ્ટેશન પર ત્રણ લોકલ ટ્રેનો જૂનાગઢ-વેરાવળ પેસેન્જર, વેરાવળ-જૂનાગઢ પેસેન્જર અને જૂનાગઢ-દેલવાડા પેસેન્જર ટ્રેન રોકાય છે.
નજીકના એરપોર્ટમાં કેશોદ એરપોર્ટ 40 કિમી, દીવ એરપોર્ટ 90 કિમીના અંતરે છે. આ બંનેમાં દીવ એરપોર્ટ પરથી મુંબઈ, અમદાવાદની ફ્લાઇટ નિયમિત મળે છે. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ (હીરાસર) 200 કિમીના અંતરે આવેલું છે.
સિંહ દર્શન કરવા જાઓ ત્યારે આ બાબતો ખાસ ધ્યાનમાં રાખો
જો તમે સિંહ દર્શન કરવા સાસણ સફારી પાર્ક અને દેવળિયા સફારી પાર્ક જતાં હોવ તો અમુક બાબતોનું તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ. સિંહ દર્શન સમયે કુદરતી અને ઝાંખા રંગના કપડાં જેવા ખાખી, ઓલિવ ગ્રીન, બ્રાઉન કે બેજ જેવા જંગલના વાતાવરણ સાથે ભળી જાય તેવા રંગના કપડાં પસંદ કરવા. લાલ, પીળો, નારંગી કે ચમકતો સફેદ જેવા તેજસ્વી રંગોના કપડાં ન પહેરવા, કારણ કે તે પ્રાણીઓનું ધ્યાન ખેંચે છે અને તેમને અસ્વસ્થ કરી શકે છે. આખી બાયના શર્ટ, ટી-શર્ટ અને ફુલ ટ્રાઉઝર કે પેન્ટ પહેરવા વધુ યોગ્ય છે. ચંપલ કે સેન્ડલના બદલે પગ પૂરા ઢંકાય તેવા આરામદાયક સ્પોર્ટ્સ શૂઝ કે સ્નિકર્સ પહેરવા. જીપમાં ઉડતી ધૂળથી મોં-નાક ઢાંકવા માટે રૂમાલ કે સ્કાફ, તડકાથી બચવા માટે સનગ્લાસ અને માથા માટે ટોપી સાથે રાખવી. આ ઉપરાંત સિંહ દર્શન સમયે સિંહ કે સિંહણ અચાનક ઉગ્ર થઈ વાહન પાસે આવે તો ઉત્તેજીત ન થવું અને વાહન નીચે ન ઊતરવું. આવા સમયે સાથે રહેલા વનકર્મીઓની સૂચનાઓનું ચુસ્ત પાલન કરવું.