અમદાવાદના સરખેજ-સાણંદ ચોકડીથી ઇસ્કોન જંકશન સુધીનો 4.3 કિમી લાંબો બ્રિજ તાજેતરમાં ખુલ્લો મુકવામાં આવ્યો છે. આ બ્રિજ 450 કરોડથી વધુના ખર્ચે બનાવવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે આ બ્રિજ લોકાર્પણ કર્યું હતું. હવે સરખેજ-સાણંદ ચોકડીથી ગાંધીનગર ઇન્ફોસિટી સુધીનો પ્રવાસ કેટલા સમયમાં પૂરો થાય છે તેની દિવ્ય ભાસ્કરની ટીમે પ્રત્યક્ષ સફર કરીને ચકાસણી કરી છે.
દિવ્ય ભાસ્કરની ટીમ ફોર-વ્હીલર લઈને સરખેજ-સાણંદ ચોકડીથી ગાંધીનગર ઇન્ફોસિટી તરફ રવાના થઈ હતી. આ સફરમાં 30 કિમીનું અંતર કાપવામાં 25 મિનિટનો સમય લાગ્યો હતો. રસ્તામાં 10 જેટલા ઓવરબ્રિજ અને એક અંડરપાસ આવ્યો હતો. સૌથી નોંધપાત્ર વાત એ છે કે, આખા રસ્તા પર એક પણ ટ્રાફિક સિગ્નલ નહોતું, જેના કારણે ઝડપથી ગાંધીનગર પહોંચી શકાયું હતું. કારની સ્પીડ 70 કિમી પ્રતિ કલાક રાખવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, આ બ્રિજ નીચેથી હાલ દરરોજ 3 લાખથી વધુ લોકો અવરજવર કરે છે. નવો બ્રિજ ચાલુ થતાં દરરોજ બે લાખ લોકો આ બ્રિજ પરથી અવરજવર કરી શકશે. જો કોઈ વ્યક્તિ સરખેજ-સાણંદ ચોકડીથી બ્રિજ ચઢે છે તો તે સીધો ગાંધીનગર પહોંચી શકશે. જોકે, રસ્તામાં પકવાન જંકશન, થલતેજ અંડરપાસ, સોલા ગામ, ગોતા અને વૈષ્ણોદેવી તરફ જવાના કટ આવશે, જેથી લોકો વચ્ચેથી પોતાનો રૂટ પણ બદલી શકશે.
વૈષ્ણોદેવી સર્કલથી અડાલજ બ્રિજ પહોંચતા 5 મિનિટ જેટલો સમય લાગ્યો હતો. ગોતાથી વૈષ્ણોદેવી સર્કલ વચ્ચે અન્ય એક નવા બ્રિજનું કામ ચાલી રહ્યું હોવાથી પિક અવર્સમાં ટ્રાફિક મળી શકે છે, તેવી શક્યતા છે.