રાજપીપળા નજીક આવેલો સરદાર સરોવર નર્મદા ડેમ 138.68 મીટરની મહત્તમ જળસપાટીએ પહોંચીને છલોછલ ભરાઈ ગયો છે. આ શુભ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડેમ ખાતે હાજર રહીને નર્મદા મૈયાના નીરના વધામણાં કર્યા હતા. ઉપરવાસમાંથી સતત પાણીની આવક ચાલુ રહેતાં ડેમ પૂર્ણ સપાટીએ પહોંચ્યો છે.
ડેમ પૂર્ણ ભરાયો હોવાના શુભ પ્રસંગે શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી સાથે રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ અને નર્મદા નિગમના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. નર્મદા મૈયાને શ્રીફળ, પુષ્પ અને ચુંદડી અર્પણ કરીને પૂજા-અર્ચના કરવામાં આવી હતી. રાજ્યની જીવાદોરી સમાન નર્મદાના જળને વધાવવા માટે આ વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રી વડોદરાથી માર્ગ માર્ગે એકતાનગર પહોંચ્યા અને ત્યારબાદ ડેમ સ્થળે પહોંચીને કાર્યક્રમમાં સહભાગી થયા હતા. તેમના આગમનને પગલે નર્મદા નિગમ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સમગ્ર ડેમ પરિસરને રંગબેરંગી રોશની અને શણગારથી સજાવવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે, અલનિનોની અસર વચ્ચે પણ ડેમ પૂરેપૂરો ભરાયો છે. તેમણે ઉમેર્યું કે આખા બેસિનમાં મધ્યપ્રદેશ અને ગુજરાતને દર વર્ષે સરેરાશ 9 મિલિયન એકર ફૂટ પાણી મળે છે, જ્યારે ચાલુ વર્ષે 8 મિલિયન એકર ફૂટ પાણી મળ્યું છે. એટલે હજુ આશરે દોઢથી બે મિલિયન એકર ફૂટ પાણીની ઘટ છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારી તંત્ર પાણીના એક-એક ટીપાંનો કરકસરપૂર્વક ઉપયોગ કરશે. તેમણે ખેડૂતોને પણ ઓછું પાણી વપરાય તેવા પાક લેવા અપીલ કરી છે.
ડેમમાં હાલ 5737.46 MCM જેટલો લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ઉપરવાસમાંથી ડેમમાં 43,659 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે, જ્યારે ડેમમાંથી કુલ 11,564 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેમાં RBPHમાંથી 0 ક્યુસેક અને CHPHમાંથી 11,564 ક્યુસેક પાણીની જાવક ચાલુ રાખવામાં આવી છે. અગાઉ ઉપરવાસમાંથી 49,718 ક્યુસેક પાણીની સતત આવક થઈ રહી હતી, જેના કારણે ડેમ પૂર્ણ સપાટી સર કરવા તરફ આગળ વધ્યો હતો. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને નર્મદા કંટ્રોલ ઓથોરિટીના નિયમો અનુસાર જળસ્તરનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.
સરદાર સરોવર નર્મદા ડેમ વર્ષ 2017માં રાષ્ટ્રને સમર્પિત કર્યા બાદ અત્યાર સુધીમાં કુલ 7 વખત તેની મહત્તમ સપાટી સુધી ભરાયો છે. વર્ષ 2019, 2020, 2022, 2023, 2024, 2025 અને વર્તમાન વર્ષ 2026માં ડેમે પૂર્ણ સપાટી સર કરી છે. હાલ ડેમની જળસપાટી 138.68 મીટર (455 ફૂટ) પર પહોંચી છે અને તેની કુલ જળસંગ્રહ ક્ષમતા 9,460 મિલિયન ઘન મીટર નોંધાઈ છે.
ચાલુ ચોમાસા દરમિયાન 'સુજલામ સુફલામ' અને 'સૌની' યોજના મારફતે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં જરૂરિયાત મુજબ પાણીનું વિતરણ કરવામાં આવ્યું છે. સુજલામ સુફલામ યોજના હેઠળ ચાલુ જળ વર્ષમાં 201 MCM (7,118 MCFT) પાણી પૂરું પાડીને 1,028 તળાવો ભરી દેવામાં આવ્યા છે. સૌની યોજના થકી 288 MCM (10,189 MCFT) પાણી આપીને 167 તળાવો, 1,014 ચેકડેમો અને 45 ડેમો છલોછલ કરવામાં આવ્યા છે. આમ, રાજ્યના સરહદી અને જળઅછત ધરાવતા વિસ્તારોની જરૂરિયાત મુજબ તળાવો, ચેકડેમો અને બંધો ભરીને જળસુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી છે.
નર્મદા ડેમ સમગ્ર ગુજરાત માટે સિંચાઈ અને પીવાના પાણીનો મુખ્ય સ્રોત ગણાય છે. ડેમમાં પાણીનો પૂરતો જથ્થો સંગ્રહિત થતાં રાજ્યના અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યા હળવી થશે અને આગામી ઉનાળા દરમિયાન પણ ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં પાણીની ઉપલબ્ધતા પૂરતી માત્રામાં જળવાઈ રહેશે. પાણીના વિપુલ જથ્થા સાથે વીજ ઉત્પાદનમાં પણ ગતિ આવી છે. નર્મદા ડેમના કેનાલ હેડ પાવર હાઉસના ત્રણ ટર્બાઇન હાલમાં પૂરજોશમાં કાર્યરત છે.